સોમવારે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યા પછી ભારતીય શેરબજાર આજે બાઉન્સ બેક થયું હતું અને સેન્સેક્સ 234 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી 23,700થી ઉપર બંધ રહ્યો હતો. હેવિવેઇટ ફાયનાન્સિયલ સ્ટોક્સ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં આજે બજારમાં તેજી જોવા મળી હતી.
પ્રારંભે 55 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 78,452ની હાઇ અને 77,925ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 527 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 234 પોઇન્ટ એટલે કે 0.30 ટકા વધીને 78,199ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ 63 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 23,795ની હાઇ અને 23,637ની લો સપાટી બનાવી હતી અને કુલ 158 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી 91 પોઇન્ટ એટલે કે 0.39 ટકા વધીને 23,707ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 352 પોઇન્ટ એટલે કે 0.77 ટકા વધીને 46,145ની સપાટીએ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 945 પોઇન્ટ એટલે કે 1.74 ટકા વધીને 55,282ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ આજે 341 પોઇન્ટ એટલે કે 0.29 ટકા વધીને 1,18,438ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,086 શેર પૈકી 2,624 વધીને, 1,355 ઘટીને અને 107 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 441.75 લાખ કરોડ એટલે કે 5.15 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું જે ગઇ કાલના રૂ. 438.79 લાખ કરોડથી રૂ. 2.96 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 20 અને નિફ્ટીના 50 પૈકી 32 શેર આજે વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 6.32 ટકા ઘટીને 14.66 નોંધાયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી એક માત્ર નિફ્ટી આઇટી 0.68 ટકા ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી મિડિયામાં 1.36 ટકાનો, મેટલમાં 1.24 ટકાનો અને ઓઇલ એન્ડ ગેસમાં 1.64 ટકાનો વધારો નોંધાયો હતો.
એફઆઇઆઇની રૂ. 1,491 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 1,491 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 1,615 કરોડની નેટ ખરીદી કરી હતી. આ સાથે જાન્યુઆરીમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 8,569 કરોડ અને ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 9,897 કરોડ થાય છે.
રૂપિયાએ એક મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો
આજે ડોલર નબળો પડીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચતા અને તેને પગલે એશિયન કરન્સીમાં મજબૂતાઇ આવતા રૂપિયામાં પણ મજબૂતાઇ જોવા મળી હતી અને યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો પાછલા બંધની તુલનાએ 0.1 ટકા વધીને 85.7125ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડોલર ઇન્ડેક્સ 0.3 ટકા ઘટીને 107.9ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે અન્ય એશિયન કરન્સિમાં 0.2 ટકાથી 0.9 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. વિદેશી બેંકો દ્રારા ડોલરનું વેચાણ કરવામાં આવતાં તેના કારણે પણ રૂપિયામાં મજબૂતાઇ આવી હતી.
Source link