- ગત મહિને નિફ્ટીમાં 1.1%, સેન્સેક્સમાં 0.8%નો વધારો
- ફોરેન ઈન્વેસ્ટર્સ દ્વારા ભારતીય બજારમાં રોકાણ સામે સાવચેતીનો સૂર
- ફરી એક વખત ભારતીય બજારને FPIના બદલે DII તરફથી મજબૂત ટેકો
ઓગસ્ટ મહિનામાં ભારતીય સ્ટોક્સમાં ડોમેસ્ટિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ (ડીઆઈઆઈ) તરફથી રોકાણનો પ્રવાહ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ હતો.
બીજી તરફ વેલ્યૂએશનમાં વધારા અને વૈશ્વિક ઉથલ-પાથલને કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ના રોકાણ પ્રવાહની ગતિ ધીમી જોવા મળી હતી. ઓગસ્ટ મહિનામાં ડીઆઈઆઈ દ્વારા સ્ટોક્સમાં લગભગ રૂ.48,280 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રમાણ જૂલાઈમાં રૂ.23,486 કરોડ અને જૂનમાં રૂ.35,845 કરોડ હતું.
બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સમાં ઓગસ્ટ મહિનામાં અનુક્રમે 1.1 ટકા અને 0.8 ટકાનો વધારો થયો હતો. સતત ત્રીજા મહિને વધારા તરફી વલણ જોવા મળ્યું હતું. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ મહિને યોજાનારી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે, તેવા આશાવાદને કારણે આ વધારા તરફી વલણ જોવા મળ્યું હતું.
તુલનાત્મક રીતે ઓગસ્ટમાં એફપીઆઈ તરફથી ભારતીય સ્ટોક્સમાં રૂ.7,320 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. જે છેલ્લા બે મહિનાના સૌથી નીચા સ્તરે હતો. 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં બજારમાં સાવચેતીનો સૂર જોવા મળતાં વૈશ્વિક સ્ટોક્સમાં ઉથલ-પાથલ તથા ઊંચા મૂલ્યાંકનને કારણે એફપીઆઈ પ્રવાહમાં ઘટાડો નોંધાયો હતો. તદ્દઉપરાંત ઓગસ્ટમાં એફપીઆઈનો ઈનફ્લો પ્રાયમરી માર્કેટની મજબૂતીને કારણે જોવા મળ્યો હતો. જો પ્રાયમરી માર્કેટના પ્રવાહને બાદ કરવામાં આવે તો ડેટા મુજબ, એફપીઆઈએ લગભગ રૂ.5,551 કરોડના સ્ટોક્સની વેચવાલી કરી હતી. પ્રારંભિક મહિનાઓમાં પણ એફપીઆઈ તરફથી આવું જ વલણ જોવા મળ્યું હતું. સેકન્ડરી માર્કેટમાં એફપીઆઈ તરફથી વેચવાલી કરવામાં આવી હતી જ્યારે પ્રાયમરી માર્કેટમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. નિર્ણાયક સેકટર્સના કમાણીના આંકડા ઉદાસીન આવતાં એફપીઆઈ તરફથી રોકાણ વ્યૂહમાં બદલાવ આવ્યો હતો. કદાચ આ જ સ્થિતિને કારણે ભારતીય શેરોમાં પોતાની સ્થિતિ જાળવી રાખવામાંથી એફપીઆઈએ પીછેહટ કરી છે. ચાલુ મહિનાના પ્રથમ પંદર દિવસમાં યેનમાં થતાં વેપારમાં ઉથલ-પાથલ અને અમેરિકામાં મંદીની સંભવિત ચિંતાને કારણે પણ ઓગસ્ટમાં રોકાણકારોના વ્યૂહને અસર થઈ હોઈ શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ભારતીય સ્ટોક્સમાં એફપીઆઈના આઉટફ્લોમાં વધારા થવાનું સૌથી મોટું કારણ શેરોનું ઊંચું વેલ્યૂએશન છે.
Source link