2024માં રિટેલ રોકાણકારો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ)ની વૃદ્ધિની સફરમાં વધારો થયો હતો. જેમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (સીપ)ના પ્રવાહમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. વર્ષના પ્રથમ 11 મહિનામાં રોકાણકારોની સંખ્યામાં લગભગ એક કરોડનો વધારો થયો હતો.
સીપનો પ્રવાહ જે ડિસેમ્બર 2023માં રૂ.17,610 કરોડ હતો, તે આખા વર્ષ દરમિયાન સતત વધીને નવેમ્બર 2024માં રૂ.25,320 કરોડ સુધી પહોંચ્યો હતો, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાના ડેટામાં જણાવવામાં આવ્યું હતું. જાન્યુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન કુલ સીપનો પ્રવાહ રૂ.2.4 લાખ કરોડ રહ્યો હતો. આ પ્રવાહ મોટાભાગે રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી આવે છે. સક્રિય ઈક્વિટી સ્કીમ્સમાં રેકોર્ડ ઈનફ્લોમાં સીપ રૂટ દ્વારા રોકાણમાં વધારો મુખ્ય ફાળો આપનાર હતો. નવેમ્બર સુધીમાં રોકાણકારોએ સક્રિય ઈક્વિટી સ્કીમ્સમાં રેકોર્ડ રૂ.3.5 લાખ કરોડ ઠાલવ્યા હતા. જે 2023ની રૂ.1.6 લાખ કરોડની સંખ્યા કરતાં બમણાથી પણ વધુ છે. એકલા સીપએ રૂ.3.5 લાખ કરોડના કુલ સક્રિય ઈક્વિટી ફંડના પ્રવાહમાં લગભગ રૂ.2 લાખ કરોડ જેટલું યોગદાન આપ્યું છે.
એમએફના સહભાગીઓના જણાવ્યા અનુસાર, સીપના પ્રવાહમાં વધારો દર્શાવે છે કે, રિટેલ ઈન્વેસ્ટર્સને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રસ વધ્યો છે. સીપના પ્રવાહમાં સતત વધારો એ ઉદ્યોગની રોકાણકારોને મૂલ્ય પહોંચાડવાની લાંબાગાળાની ક્ષમતા દર્શાવે છે. તાજેતરના વર્ષોમાં બજારમાં ઊંચા મૂલ્યાંકને ઈક્વિટી એમએફ સ્કીમોને મજબૂત વળતર આપ્યું છે. 2024માં જ્યારે બેન્ચમાર્કે રોકાણકારોને લગભગ નવ ટકા જેટલું વળતર આપ્યું છે, ત્યારે વ્યાપક બજાર સૂચકાંકો નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં લગભગ 24 ટકાનો વધારો થયો છે. જો કે 2024ની સરખામણીએ ઈક્વિટીએ 2023માં વધુ સારૂં વળતર આપ્યું હતું.
નવા રોકાણકારોને આકર્ષિત કરવામાં એમએફ સફળ નિવડયા છે. નવેમ્બર 2024ના સમયગાળા સુધી એમએફમાં નવા 98 લાખ રોકાણકારોનો ઉમેરો થયો હતો. 2023ના સમાન સમયગાળા દરમિયાન આ વધારો 54 લાખ હતો. નવેમ્બર 2024માં કુલ રોકાણકારોની સંખ્યા 5.18 કરોડ હતી. એમએફએ 2024માં 153 ઈક્વિટી સ્કીમ્સ લોન્ચ કરી હતી. જ્યારે ગયા વર્ષે 89 સ્કીમ્સ લોન્ચ કરવામાં આવી હતી. એકંદરે એમએફના પ્રવાહમાં ઉછાળો બજાર માટે મુખ્ય ટેકો સાબિત થયો છે.
Source link