GUJARAT

ChhotaUdepur: છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ પોણાચાર ઇંચ વરસાદ

  • સંખેડા તાલુકામાં એક ઇંચ વરસાદને બાદ કરતા સર્વત્ર મેઘમહેર
  • કપાસના પાકને નુકસાન, તો ડાંગરના પાકને ફાયદો થતાં કહીં ખુશી કહીં ગમ જેવો ઘાટ
  • જ્યારે ડાંગરને ફયદો થતા ધરતીપુત્રોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે

ચોમાસાની અડધી સીઝનમાં છોટાઉદેપુર જિલ્લામાં 100 ટકા ઉપરાંત વરસાદ નોંધાયો છે. કપાસના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. જ્યારે ડાંગરને ફયદો થતા ધરતીપુત્રોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.

 છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પૈકી સંખેડામાં એક ઈંચને બાદ કરતા અન્ય ચાર તાલુકામાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયો હતો. શ્રાવણ મહિનાના છેલ્લાં દિવસે અને ભાદરવાની શરૂઆત સાથે છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં સાંબેલાધાર વરસાદ થયો હતો. જેમાં છોટાઉદેપુરમાં 92 MM જ્યારે બોડેલીમાં 82 MM, કવાંટમાં 76 MM, નસવાડીમાં 74 MM, પાવીજેતપુરમાં 64 MM, સંખેડામાં 28 MM વરસાદ વીતેલા 24 કલાકમાં નોંધાયો હતો. જેને પગલે સોમવારે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ધરતી પુત્રોમાં આનંદ જોવા મળ્યો હતો. અવિરત વરસાદને કારણે જિલ્લાના ધરતીપુત્રોને ડાંગરમાં ફયદો થયો હતો. જ્યારે કપાસ તેમજ અન્ય પાકોમાં રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

સમગ્ર જિલ્લાનો 100.48 ટકા વરસાદ નોંધાયો

છોટાઉદેપુર તાલુકામાં વીતેલા 24 કલાકમાં 92 mm અને મોસમનો કુલ 1352 mm એટલે કે 54.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં 82 mm અને મોસમનો કુલ 1073 mm એટલે કે 42.92 ઈંચ વરસાદ નોંધાયો હતો. કવાંટમાં 76 mm અને મોસમનો કુલ 1063 mm એટલે કે 42.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. સંખેડામાં 28 mmઅને મોસમનો કુલ 1005 mm એટલે કે, 40 ઈંચ વરસાદ નોંધાયો હતો. પાવીજેતપુરમાં 64 mm અને મોસમનો કુલ 997 mm એટલે કે 39.88 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નસવાડીમાં 943 mm એટલે કે 37.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ સમગ્ર જિલ્લાનો 100.48 ટકા વરસાદ નોંધાયો હતો.

સુખી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ચાર ગેટ ખોલી 12 હજાર ક્યૂસેક પાણી છોડાયું

જાંબુઘોડા : છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકા સહિત પંચમહાલ જિલ્લાના બે તાલુકાના અનેક ગામોને પાણી પૂરું પાડતી સુખી સિંચાઈ યોજના હેઠળ બનાવેલ સુખી ડેમના ઉપરવાસમાં સોમવારે વરસેલા ભારે વરસાદને પગલે ચાર ગેટ ખોલી 12,000 કયૂસેક પાણીનો પ્રવાહ ભારજ નદીમાં છોડાયો હતો. આજે મંગળવારે પણ 9000 ક્યૂસેક પાણીની આવક સામે બે ગેટ ખોલી 9000 ક્યૂસેક પાણીનો પ્રવાહ ભારજ નદીમાં છોડાયો હતો. જેને પગલે ભારજ નદીના નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ કરાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button