Sanand group clash : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે જૂથ વચ્ચે થયેલી જૂની અદાવતના કારણે ભારે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. સોમવારે રાત્રે ગામમાં બે જૂથ આમને-સામને આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના બાદ પરિસ્થિતિ થોડી શાંત થઈ હતી, પરંતુ મંગળવારે સવારે ફરી તણાવ વધી જતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
“સામે કેમ જુવે છે”
મળતી માહિતી મુજબ, બંને જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા અને વર્ચસ્વની લડાઈને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ દરમિયાન એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ “સામે કેમ જુવે છે” કહી માથાકૂટ કરી હતી, જે ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે. બાદમાં આ ઝઘડો જૂથઅથડામણમાં ફેરવાઈ ગયો અને પથ્થરમારો થયો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગામમાં સ્થિતિ બગડતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
30 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા
આ મામલે ગ્રામ્ય એસપી દ્વારા માહિતી આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બંને જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈને ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો શંકાસ્પદ છે તેમની પૂછપરછ ચાલી રહી છે અને ઘટનામાં જેની પણ સંડોવણી સાબિત થશે તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.


Leave a Comment