- ગોધરાના આઠ વર્ષ અગાઉના લૂંટની કોશિશના ગુનામાં ટોળકી ઝડપાઈ હતી
- હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ તપાસમાં ભાંડો ફૂટયો : કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાવાઈ
- ખોટા દસ્તાવેજો તેમજ તલાટીનાં બનાવટી સહી સિક્કા કરી બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજુ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતાં
ગોધરામાં વર્ષ 2016 માં હરિયાણા રાજ્યની ગેંગ દ્વારા મારક હથિયારો સાથે લૂંટની કોશિષ કરાઈ હતી. જેમાં બનાવટી દસ્તાવેજોનાં આધારે કોર્ટમાંથી આરોપીઓને જામીન ઉપર મુક્ત કરાવનાર જામીનદાર અને અન્યો વિરૂદ્ધ ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગોધરા શહેરની બીજા એડી. જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં હેડક્લાર્ક તરીકે ફરજ બજાવતા મોહંમદ ઇકબાલ મોહંમદ હુસેન મદારીએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, સલ્લાખાન શેરમહંમદ મેવ, શાકીરખાન રહેમુદીન મેવ, મહંમદ અશરદ ઉફે સાનુ અલી મહંમદ મેવ, નફીશ અબ્દુલ રહીમ કુરેશી, સમયદિન સમશુદિન મેવ, ઇલિયાસ રહેમત મેવ (તમામ રહે.હરિયાણા) તથા મુઝફ્ફર શબ્બીર દાવ ઉફે ભૂરિયો સામે વર્ષ 2016માં મારક હથિયારો સાથે લૂંટની કોશિષના ગુના હેઠળ દાખલ કરાયેલા કેસમાં ચાર્જશીટ કરાઈ હતી. આ કેસના આરોપીઓના જામીનદાર તરીકે સિદ્દીક મોહંમદ સઇદ કઠડી જામીનદાર બન્યા હતાં. આ કેસમાં સોલવન્સી સર્ટિફ્કિેટ રજૂ કરવા તેમણે મુદત માંગી હતી. જે બાદ તેઓ દ્વારા આજદિન સુધી સોલવન્સી સર્ટિફ્કિેટ રજૂ કરાયું નથી. ત્યારબાદ મોહંમદ યુસુફ્ અબ્દુલ્લા ભટુક દ્વારા તા.16.3.2024 નાં રોજ હાઈકોર્ટમાં અરજી કરી આ કેસમાં જામીનદારે ખોટા દસ્તાવેજો તેમજ તલાટીનાં બનાવટી સહી સિક્કા કરી બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજુ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતાં. જે અરજી ગોધરા સેશન્સ કોર્ટમાં આવતા મિલકતો સંદર્ભે સેશન્સ જજ દ્વારા ગોધરા મામલતદાર પાસે તપાસ કરાવતા સિદ્દીક કઠડીએ આપેલા દસ્તાવેજો બાબતે સર્કલ ઓફ્સિરને તા.13.5.2024નાં રોજ વિગતવાર રિપોર્ટ કરી જણાવાયું હોવાનું અને આરોપીઓને જામીનમુક્ત કરવા રજૂ કરેલા તે સર્વે નંબર વાળી મિલકત રેવન્યુ રેકર્ડમાં કોઈ જગ્યાએ ઉપલબ્ધ નહી હોવાનું જણાયું હતું. જે બાદ કોર્ટે જામીનદારે બનાવટી દસ્તાવેજોના આધારે જામીન અપાવ્યા હોવાનું જણાયું હતું.
જામીનદારે બોગસ 7/12ના ઉતારાની નકલ રજૂ કરી હતી
વર્ષ 2016ના લૂંટની કોશિષના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને જામીન પર મુક્ત કરાવવા માટે સિદ્દીક મોહંમદ સઇદ કઠડીએ કોર્ટમાં 7/12ના ઉતારા અને દસ્તાવેજો રજૂ કર્યા હતાં, તે મિલકતોની તપાસ કરાતા તે મિલકતો રેવન્યુ રેકર્ડમાં કોઈ જગ્યાએ ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
Source link