સિંગર આરતી સાંગાણીના ‘પ્રેમ લગ્ન’ પર વિવાદ: પાટીદાર ગાયિકાએ તબલા વાદક સાથે સાત ફેરા ફર્યા; પિતાએ રડતા અવાજે કહ્યું- ‘દીકરી, પાછી આવી જા’

by

Thenewsdk

Updated: 27-12-2025, 10.11 AM

Follow us:

કિંજલ દવેના આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈનો મામલો માંડ શાંત પડ્યો છે ત્યાં વધુ એક ગાયક કાલાકારે અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી લેતા વધુ એક વિવાદને હવા મળી છે.સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્ને સોશિયલ મીડિયા પર વિવાદના વંટોળ સર્જ્યા છે. પોતાના કાર્યક્રમોમાં તબલા વગાડતા દેવાંગ ગોહેલ સાથે આરતીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લેતા સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એક તરફ યુવા પેઢીના પ્રેમ અને વ્યક્તિગત સ્વતંત્રતાની વાત છે, તો બીજી તરફ વર્ષો સુધી દીકરીને લાડ-કોડથી ઉછેરનાર પિતાનું રુદન છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે સમર્થન અને વિરોધનો જંગ છેડાયો છે.

પિતાની આંખમાં આંસુ: ‘તું દીકરી નહીં, દીકરો બનીને વિશ્વાસઘાત કરી ગઈ’
આરતીના પિતા, જેઓ સાડીના જોબવર્કથી માંડ પેટિયું રળે છે, તેમણે રડતી આંખે દીકરીને ઘરે પરત ફરવા આજીજી કરી છે. 5 દીકરીઓ અને એક દીકરાના પિતાએ જણાવ્યું કે, “આરતીએ મને વચન આપ્યું હતું કે તે દીકરી નહીં પણ મારો દીકરો બનીને રહેશે, પણ આજે તેણે મારો વિશ્વાસ તોડ્યો છે.” પિતાએ અપીલ કરતા કહ્યું છે કે હજુ પણ સમય છે, ભૂલ સુધારીને પરત આવી જા, અમે તને સ્વીકારવા તૈયાર છીએ. આ લાચાર પિતાના શબ્દોએ સામાજિક મર્યાદા અને સંતાનોની જીદ વચ્ચેની ખાઈને ફરી ઉજાગર કરી છે.

સ્ટેજ પર પાંગર્યો પ્રેમ: દોઢ વર્ષની મિત્રતા લગ્નમાં પરિણમી
આરતી અને ગોંડલના વતની દેવાંગ ગોહેલ વચ્ચેના પ્રેમની શરૂઆત સંગીતના કાર્યક્રમો દરમિયાન થઈ હતી. દેવાંગ આરતીના ગ્રુપમાં તબલા વાદક તરીકે જોડાયેલો હતો, જ્યાં દોઢ વર્ષના પરિચય બાદ બંનેએ કાયદાકીય રીતે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આધુનિક જમાનામાં યુવક-યુવતીઓ પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાના હકને પ્રાધાન્ય આપી રહ્યા છે, પરંતુ જ્યારે આ નિર્ણય સામાજિક ઢાંચાની વિરુદ્ધ જાય છે ત્યારે પરિવાર અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ કરુણ વળાંક લેતો હોય છે.

સમાજ અને કાયદાનો સંઘર્ષ
આ કિસ્સો ફરી એકવાર ‘પરિવાર પહેલા કે પ્રેમ’ તેવા ગંભીર યક્ષ પ્રશ્નને જન્મ આપે છે. કાયદો યુવક-યુવતીને પોતાની પસંદગીના લગ્ન કરવાની છૂટ આપે છે, પરંતુ સામાજિક રીતે પાટીદાર પરિવાર આ પગલાને સ્વીકારી શકતો નથી. યુવાવસ્થામાં લેવાયેલો આ નિર્ણય કાયમી સુખ આપશે કે પછી પરિવારથી વિખૂટા થવાનું દુઃખ ઉંમરભર સાલશે, તે તો સમય જ બતાવશે. હાલ તો આરતીના આ નિર્ણયથી સાંગાણી પરિવારમાં માતમ જેવો માહોલ છે અને સોશિયલ મીડિયા પર ડિબેટ તેજ થઈ છે.

શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?: સિંગર આરતી સાંગાણી
છેલ્લે આરતીએ સોશિયલ મીડિયા પર થઈ રહેલા વિરોધને લઈને મૌન તોડ્યું છે, અને સ્પષ્ટ કર્યું છે કે અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?, તમે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વાતો કરો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? છેલ્લે કહ્યું કે અમે જે કાર્ય કર્યું છે તેનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાઈ છે, તે બદલ હું તેમની માફી માંગુ છું. લોકો અમારી આઝાદીથી અને સન્માનપૂર્વક જીવવાના અધિકારને સમજશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.