T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ભાગ નહીં લે, તો પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે. આ અચાનક જાગેલી એકતાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે દબાણ વધાર્યું છે.
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારતમાં શરૂ થવાનો છે. શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશ તેની તમામ લીગ મેચો ભારતમાં રમવાનો છે, જેમાં ત્રણ મેચ કોલકાતામાં અને એક મુંબઈમાં યોજાશે. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષા અને રાજકીય તણાવના કારણો આપીને ભારતમાં રમવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બાંગ્લાદેશ ઇચ્છે છે કે તેની બધી મેચો શ્રીલંકામાં યોજાય, જે ટુર્નામેન્ટનું કો-હોસ્ટ દેશ છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં આવેલી ખટાશે ક્રિકેટ પર પણ અસર કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થયેલા અત્યાચાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આ દરમિયાન IPL 2026માં મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી બહાર રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ બાંગ્લાદેશે IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટનાઓ બાદ BCBએ T20 વર્લ્ડ કપ મેચોને શ્રીલંકા ખસેડવાની માંગ વધુ તીવ્ર બનાવી હતી.
ICCએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નક્કર સુરક્ષા ખતરા વિના શેડ્યૂલમાં ફેરફાર કરવાથી ખોટી મિસાલ સ્થાપિત થશે, જે ભવિષ્યની ICC ટુર્નામેન્ટની વિશ્વસનીયતા અને ન્યાયીતા પર અસર કરી શકે છે. ICCએ બાંગ્લાદેશની માંગણી નકારી કાઢ્યા બાદ BCBએ ભારત પ્રવાસ ન કરવાનો પોતાનો વલણ ફરી દોહરાવ્યો છે.
હાલ બાંગ્લાદેશ સામે બે જ વિકલ્પો છે—માગણી પાછી ખેંચીને ટૂર્નામેન્ટમાં ભાગ લેવો અથવા T20 વર્લ્ડ કપમાંથી ખસી જવું, જેથી તેની જગ્યાએ બીજી ટીમને તક મળી શકે. BCB પ્રમુખ અમીનુલ ઇસ્લામે જણાવ્યું છે કે સરકાર સાથે ચર્ચા માટે ICC પાસેથી વધુ સમય માંગવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આજે સરકાર અને ખેલાડીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. માહિતી પ્રમાણે, મોટાભાગના સિનિયર ખેલાડીઓ વર્લ્ડ કપ રમવાના પક્ષમાં છે.
શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશ ગ્રુપ Cમાં છે અને તેની છેલ્લી લીગ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે રમાશે. હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર બાંગ્લાદેશ અને ICCના આગામી નિર્ણય પર ટકી છે.


Leave a Comment