કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે લાંચના આરોપોમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ઇશ્યૂ થયેલા એરેસ્ટ વોરંટ વિશે તેને અમેરિકન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઇ વિનંતી મળી નથી.
ભારત સરકારની આ ટિપ્પણી અમેરિકન ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ કેસના અહેવાલો વચ્ચે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં અદાણી સાથે જોડાયેલી સંસ્થાઓ સાથે સંબંધિત કાનૂની કાર્યવાહીમાં સરકારની કોઇ ભૂમિકા નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે આ એક કાનૂની મામલો છે જેમાં ખાનગી ફર્મ અને વ્યક્તિ અને અમેરિકન ન્યાય વિભાગ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની રસ્તાઓનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોઇપણ પ્રકારની કાનૂની કાર્યવાહી માટે અમેરિકન અધિકારીઓએ ભારતમાં ગૃહ મંત્રાલયને જાણકારી આપવી જરુરી છે. ચાહે તે એરેસ્ટ વોરન્ટ જ કેમ ન હોય. જાણકારી મળ્યા બાદ ગૃહ મંત્રાલય સંબંધિત સંઘીય એજન્સીઓને વિનંતી પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપી શકે છે. અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ કેસમાં ભારતમાં સોલર એનર્જી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે લાંચ આપવાનો અને અમેરિકામાં રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ સામેલ છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકાર તામ લઘુમતિઓની રક્ષા કરે : ભારતે શુક્રવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે પોતાની જવાબદારીનું પાલન કરતા દેશના તમામ લઘુમતિ સમુદાયોની રક્ષા કરવી જોઇએ. ભારતે સાથે જ પડોશી દેશમાં માથું ઉંચકી રહેલા કટ્ટરવાદી તત્વો અને લઘુમતિઓ વિરુદ્ધ થઇ રહેલી હિંસા સામે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે બાંગ્લાદેશ સમક્ષ નિરંતર રીતે મજબૂત રીતે હિન્દુઓ અને અન્ય લઘુમતિઓ વિરુદ્ધ થઇ રહેલા હુમલા અને ખતરાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દે અમારી સ્થિત સ્પષ્ટ છે. વચગાળાની સરકારે તમામ લઘુમતિઓની રક્ષા કરવાની પોતાની જવાબદારી પૂરી કરવી જોઇએ.
Source link