દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને રવિવારે મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
કૈલાશ ગેહલોતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીનાં સીએમ આતિશીને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. દિલ્હીનાં સીએમ આતિશીએ ગહલોતનું રાજીનામું સ્વીકારી લીધું છે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપવા સાથે આપના પ્રાથમિક સભ્યપદ પરથી પણ રાજીનામું આપ્યું છે. ગેહલોતે પોતાનાં પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપતાં એક પત્ર કેજરીવાલને મોકલ્યો છે.
તેમણે રાજીનામામાં યમુના નદીની સફાઈ અને શીશમહેલ નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો છે. ગહલોતે પત્રમાં લખ્યું છે કે આપણે ગઈ વખતની ચૂંટણીમાં યમુનાની સફાઈનો વાયદો કર્યો હતો, પરંતુ સફાઈ નથી થઈ. આપણે આપણે આપેલું વચન પૂરું નથી કરી શક્યા. ગેહલોતે પત્રમાં આરોપ કરતાં લખ્યું છે કે જે ઇમાનદાર રાજકારણના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, તેવું હવે રહ્યું નથી. તેમણે પાર્ટીના સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને શીશ મહેલ ગણાવીને ઘણા આરોપ કર્યા છે.
રાજીનામા સિવાયનો વિકલ્પ નથી
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, દિલ્હીના મંત્રી અને આપ નેતા કૈલાશ ગેહલોતે અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, શીશ મહેલ જેવા બીજા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદ છે, જે હવે બધાના મનમાં શંકા ઊભી કરે છે કે શું આપણે આજે પણ આમ આદમી હોવાનો વિશ્વાસ ધરાવીએ છીએ. હવે એ સ્પષ્ટ છે કે જો દિલ્હી સરકાર પોતાનો મોટા ભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં ખર્ચે તો દિલ્હી માટે વાસ્તવિક પ્રગતિ ન થઈ શકે. મારી પાસે આપથી છૂટા પડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
Source link