- આ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી પગલું
- એન્ટિબાયોટિક્સ, પેઇન કિલર્સ, મલ્ટિવિટામિન્સની, તાવ અને હાઇ બ્લડપ્રેશરની દવાઓ સામેલ
- મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી
ભારત સરકારે દવા કંપનીઓને મોટો ફટકો આપતાં ગુરુવારે 156 દવાઓના ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. તેમાં એન્ટિબાયોટિક્સ, પેઇન કિલર્સ, મલ્ટિવિટામિન્સની દવાઓ તેમજ તાવ અને હાઇ બ્લડ પ્રેશરની દવાઓ સામેલ છે.
આ દવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાના કારણે તેમના પર રોક લગાવાઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી દીધી છે. ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને કેન્દ્ર સરકારે નીમેલી નિષ્ણાતોની સમિતિની ભલામણો બાદ આ નિર્ણય લેવાયો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે નીમેલી નિષ્ણાતોની સમિતિએ અને ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડે આ મામલે તપાસ કરી હતી. બંનેએ ભલામણ કરી હતી કે આ FDCજમાં રહેલી સામગ્રીનું કોઈ મેડિકલ જસ્ટિફિકેશન નથી.
આ દવાઓ પણ સામેલ
કેટલીક ખાસ દવાઓને FDC લિસ્ટમાં સામેલ કરાઈ છે. તેમાં મેફેનેમિક એસિડ અને પેરાસિટામોલ ઇન્જેક્શનનું મિશ્રણ સામેલ છે. તેનો ઉપયોગ દુખાવો અને સોજો ઓછો કરવા માટે કરાય છે. આ ઉપરાંત ઓમેપ્રાજોલ મેગ્નેશિયમ અને ડાયસાઇક્લોમાઇન HClનું સંજોયન પણ સામેલ છે. આ સંયોજનનો પેટના દુખાવાની સારવારમાં ઉપયોગ થાય છે. DTABને આ દવાઓના દાવા સાચા નથી જણાયા. તેનું માનવું છે કે આ દવાઓથી દર્દીઓને ફાયદો ઓછો અને નુકસાન વધારે છે.
Source link