NATIONAL

Delhi: સામાન્ય કરતાં 7.6 ટકા વધારે વરસાદ સાથે ચોમાસું પૂરું : IMD

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે માહિતી આપી હતી કે 2024ની મોન્સૂન સિઝન સમાપ્ત થઈ ગઈ છે. ચાલુ વર્ષે દેશમાં સામાન્ય કરતાં 7.6 ટકા વધારે વરસાદ પડયો છે. IMD અનુસાર, આ સિઝનમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વધારે વરસાદ પડયો છે.

સાથે જ, IMDએ આસામ, મેઘાલય, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.આ ઉપરાંત, દક્ષિણી રાજ્ય કેરળ અને તામિલનાડુમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.IMD અનુસાર, આસામ, મેઘાલય, અરુણાચલપ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં બીજી અને ત્રીજી ઓક્ટોબરે અતિભારે વરસાદની સંભાવના છે. સાથે જ, પહેલીથી છઠ્ઠી ઓક્ટોબર સુધી નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ભારતમાં વરસાદનું અનુમાન છે. IMDએ તામિલનાડુ, પુડુચેરી અને કેરળનાં કેટલાંક ક્ષેત્રોમાં પહેલીથી પાંચમી સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગામી એક અઠવાડિયા સુધી મહત્ત્વપૂર્ણ વરસાદની સંભાવના નથી.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ મોન્સૂન સમાપ્ત થવાની પ્રક્રિયા રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં શરૂ થઈ હતી અને હવે દેશમાં ચોમાસાની ઋતુ પૂરી થઈ છે. ચાલુ વર્ષે સામાન્ય કરતાં 7.6 ટકા વરસાદ વધુ પડયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button