આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે. આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે
આવકવેરા વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું કે કરદાતાઓએ આઇટીઆરમાં વિદેશી સંપત્તિ (એફએ) અથવા વિદેશી સ્રોત આવક (એફએસઆઇ) અનુસૂચીને ફરજિયાત રીતે ભરવાની રહેશે, ભલેને તેમની આવક કર યોગ્ય મર્યાદા કરતા ઓછી જ કેમ ન હોય. એડવાઇઝરીમાં કહેવાયું છે કે આઇટીઆરમાં વિદેશી સંપત્તિ અથવા આવકનો ખુલાસો નહીં કરવા પર તેમને બ્લેક મની (અનડિસ્ક્લોઝડ ફોરેન ઇન્કમ એન્ડ એસેટ્સ ) અને ઇમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
આઇટી રિટર્ન્સ ભરી ચૂકેલા લોકોને સંદેશ મોકલાશે
કર વિભાગના વહીવટી એકમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સિસ દ્વારા કહેવાયું હતું કે અભિયાન હેઠળ તેવા કરદાતાઓને સંદેશ અને ઇમેલ મોકલાશે, જેમણે પહેલા જ 2024-25 માટે પોતાનું આઇટીઆર દાખલ કરી લીધું છે. આ સંદેશ એવી વ્યક્તિઓને મોકલવામાં આવશે જેમની દ્વિપક્ષીય અને બહુપક્ષીય સમજૂતીઓ હેઠળ પ્રાપ્ત જાણકારીના માધ્યમથી ઓળખ કરવામાં આવી છે કે તેમની પાસે વિદેશમાં સંપત્તિ અથવા વિદેશી આવક હોઇ શકે છે. સીબીડીટીએ કહ્યું હતું કે આ અભિયાનનો આશય તેવા લોકોને આ યાદ અપાવવાનો છે જેમણે પોતાના જમા કરાયેલા આઇટીઆર (એવાય 2024-25)માં વિદેશી સંપત્તિઓનું વિવરણ આપ્યું નથી.
Source link