દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ઓકાએ CAQM (કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે CAQM એ હજુ સુધી એક્ટની એક પણ જોગવાઈનું પાલન કર્યું નથી. તમારી એફિડેવિટ જુઓ! આ સત્તાધિકારી દ્વારા કોઈ પાલન કરવામાં આવ્યું નથી! કોર્ટે પૂછ્યું કે શું કલમ 11 હેઠળ સમિતિઓની રચના કરવામાં આવી છે? કેટલી બેઠકો થઈ? શું પગલાં લેવામાં આવ્યા છે?
CAQMને સુપ્રીમ કોર્ટની ફટકાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાલી બાળવા પર પ્રતિબંધ મૂકવાના કથિત રૂપથી પ્રયાસો ન કરવા બદલ ફટકાર લગાવી છે. નોંધનીય છે કે, શિયાળાની ઋતુમાં હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં પરાલી સળગાવવાથી દિલ્હીના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થાય છે.
સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
કોર્ટના આ આકરા પ્રશ્નો પછી CAQMના વકીલે કહ્યું કે, આ સંદર્ભે તમામ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે કમિટી બનાવ્યા વિના કેવી રીતે પગલાં લઈ શકો? કમિશન દ્વારા તેની સત્તાના ઉપયોગ માટે બહાર પાડવામાં આવેલ એક પણ નિર્દેશ અમને બતાવો. તે બધું હવામાં છે. તો તેઓ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરશે? બેઠકો ક્યાં થઈ રહી છે? શું નોટિસ આપવામાં આવી છે? અમને તમારા પેપરમાં રસ નથી. અમને એક નિર્દેશ બતાવો જે તેઓએ જારી કર્યુ હોય.
CAQMએ આ દલીલો આપી
CAQMએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, અમે સમિતિની રચના બાદથી 82 વૈધાનિક નિર્દેશો અને 15 સલાહો જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુરક્ષા અને અમલીકરણ માટે સમિતિઓએ શું પગલાં લીધાં છે? CAQMના અધ્યક્ષે કહ્યું કે, અમારી ટીમે 19,000 તપાસ હાથ ધરી છે. અમે 10,000 થી વધુ એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું ,કે શું આ સમસ્યાનો આપણે દરરોજ સામનો કરી રહ્યા છીએ તે અંગે કંઈ કરવામાં આવ્યું છે?
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે?
આવું દર વર્ષે થાય છે. દર વર્ષે પરાલી બાળવામાં આવે છે. શું આમાં કોઈ ઘટાડો થયો છે? દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે? આના પર CAQMએ જણાવ્યું હતું કે, પરાલી બાળવાની સંખ્યામાં ઘટાડો થયો છે. કોર્ટે પૂછ્યું કે શું હવાની ગુણવત્તા સુધરી છે?
ઉલ્લેખનીય છે કે, ખરીફ પાકની કાપણીની સાથે જ પંજાબ અને હરિયાણામાં ફરીથી પરાલી સળગાવવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે હવામાં પ્રદૂષણ વધે છે.પરાલી સળગાવવાની ઘટનાઓને કારણે દિલ્હી-NCRમાં દર વર્ષે વાયુ પ્રદૂષણ વધે છે.
સુપ્રીમ કોર્ટે CAQM પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો હતો
આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે CAQM પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પરાલી બાળવાને રોકવા માટે કયા ધોરણો નક્કી કર્યા છે. વરિષ્ઠ એડવોકેટ અપરાજિતા સિંઘ જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે મીડિયા અહેવાલોને ટાંક્યા હતા જે સૂચવે છે કે પરાલી સળગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીને બેન્ચે પંચને 27 સપ્ટેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું.
Source link