- નાણામંત્રાલયને લખેલા પત્રમાં કર્મચારીઓએ સેબીમાં ‘ટોક્સિક વર્ક કલ્ચર’ પ્રવર્તી રહ્યું હોવાનો બળાપો કાઢયો
- કર્મચારીઓની ઇન્ટ્રા-ડે એટેન્ડન્સ સહિત તેમની દરેક હિલચાલ પર કંટ્રોલ રખાય છે
- અમે કોઇ રોબોટ નથી કે બટન દબાવીને આઉટપુટ વધારી શકાય : કર્મચારીઓ
સેબીનાં વડાં માધવી પૂરી બૂચ વિરુદ્ધ ઘણા આક્ષેપો વચ્ચે હવે સેબીના અધિકારીઓ-કર્મચારીઓએ નાણા મંત્રાલયને પત્ર પાઠવીને જણાવ્યું છે કે માધવીના નેતૃત્વ હેઠળ સેબીમાં ‘ટોક્સિક વર્ક કલ્ચર’ પ્રવર્તી રહ્યું છે.છેલ્લા બે-ત્રણ વર્ષથી સેબીમાં ભયનો માહોલ છે.
સેબીની મીટિંગ્સમાં બૂમબરાડા, ઠપકો અને જાહેરમાં અપમાન સામાન્ય વાત બની ગઇ છે. પાવર પોઝિશન્સ સંભાળતા કેટલાક કર્મચારીઓના નામ લઇને તેમના પર બૂમબરાડા કરે છે અને સિનિયર મેનેજમેન્ટમાંથી કોઇ આ કર્મચારીઓના બચાવ માટે આગળ આવતું નથી.
કર્મચારીઓ સાથે આકરી અને અનપ્રોફેશનલ લેંગ્વેજનો ઉપયોગ કરાય છે
પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે સિનિયર મેનેજમેન્ટ કર્મચારીઓ પ્રત્યે બેસ્ટ-ઇન-ક્લાસ મેન મેનેજમેન્ટ, લીડરશિપ અને મોટિવેશન મેથડ્સ અપનાવવાનું ભૂલી ગયું છે. કર્મચારીઓ સાથે આકરી અને અનપ્રોફેશનલ લેંગ્વેજ સાથે થતી વર્તણૂક બંધ થવી જોઇએ. પત્રમાં ઉમેર્યું હતું કે સેબીનાં કર્મચારીઓની ઇન્ટ્રા-ડે એટેન્ડન્સ પર દેખરેખ રાખવા અને તેમની દરેક હિલચાલ પર સંપૂર્ણ કંટ્રોલ રાખવા ટર્નસ્ટાઇલ ગેટ્સ ઇન્સ્ટોલ કરી દેવાયા છે. આ ઉપરાંત સેબીએ ચાલુ નાણાકીય વર્ષ માટે કી રિઝલ્ટ એરિયા (કેઆરએ) ટારગેટ્સ પણ 20થી વધારીને 50 કરી દીધા છે, જેને સેબીના કર્મચારીઓ અવાસ્તવિક ગણાવે છે. પત્રમાં સેબીના કર્મચારીઓએ બળાપો કાઢતા ત્યાં સુધી કહ્યું છે કે તેઓ કોઇ રોબોટ નથી કે તેનું બટન દબાવીને આઉટપુટ વધારી શકાય. સેબી કર્મચારીઓ મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી ઇન-હાઉસ મેન્ટલ હેલ્થ કાઉન્સેલર પર પણ કામનું ભારણ વધી ગયું છે.
સેબીના બોર્ડે આક્ષેપો નકારી કાઢયા
સેબીના બોર્ડે મોડી સાંજે કર્મચારીઓ દ્વારા કરાયેલા તમામ આક્ષેપ નકારી કાઢયા છે. સેબીએ કહ્યું કે કેટલાક કર્મચારીઓની વ્યૂહરચનાના ભાગરૂપે આ થઈ રહ્યું છે. તેઓ કામ કરવાના માહોલ અંગે ખોટા અને ગેરમાર્ગે દોરનારા સમાચારો ફેલાવીને પોતાનો ફાયદો ઉઠાવવા માગે છે. સેબીએ કહ્યું કે કર્મચારીઓ HRAમાં 55 ટકાના વધારાની માગણી કરતા હતા. આ ઉપરાંત KRA અંગેની તેમની ફરિયાદો પણ પાયા વિનાની છે. કર્મચારીઓ મીડિયા અને મંત્રાલયમાં જઈને દબાણ ઊભું કરી રહ્યા છે.
Source link