સુપ્રીમ કોર્ટે મંગળવારે રાજ્યોનાં બુલડોઝર એક્શન સામે આપેલો સ્ટે યથાવત્ રાખ્યો હતો અને આ મુદ્દે તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે રાજ્યો દ્વારા આરોપી કે દોષિતોની મિલકતો પર બદલાની ભાવનાથી બુલડોઝર ફેરવી શકાશે નહીં તેવી ટિપ્પણી કરી હતી.કોર્ટે કહ્યું હતું કે મંદિર હોય કે દરગાહ તેને રસ્તા વચ્ચેથી હટાવવા જ પડશે.
લોકોની સુરક્ષા મહત્ત્વની છે. ભારત સેક્યુલર દેશ છે તેથી બુલડોઝર એક્શનને લગતો આદેશ દેશનાં તમામ નાગરિકોને લાગુ પડશે. કોર્ટે કહ્યું કે મંદિર હોય કે મસ્જિદ તે રસ્તા કે જળમાર્ગ કે રેલવે ટ્રેકને અવરોધતા હોય તો કોઈપણ ધાર્મિક ઈમારતને હટાવવી જ પડશે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે તમામ ગેરકાયદે બાંધકામ માટે એક સમાન કાયદો હોવો જરૂરી છે જે ધર્મ પર નિર્ભર હોવો જોઈએ નહીં.
કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોય તો તેની સંપત્તિ તોડી શકાય નહીં
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષિત હોય તો તેનાં કારણે તેની સંપત્તિ પર બુલડોઝર ફેરવીને તેને તોડી શકાય નહીં. જો રસ્તા પર કે સરકારી જમીન પર કોઈ ગેરકાયદે બાંધકામ કરાયું હોય તો તેને તોડી શકાશે. કોર્ટે કહ્યું કે અમે એ તકેદારી રાખીને સુનીચીત કરીશું કે આપણી સીમા કે અન્ય કોઈ સાર્વજનિક સંપત્તિ પર કોઈ જાતનું અતિક્રમણ કરેલું હોવું જોઈએ નહીં.
કોઈનું મકાન તોડી પાડવામાં આવ્યું હોય તો શું તે તોડનારની પાછળ દોડશે?
એક અરજદારે જ્યારે એવું પૂછયું કે જો કોઈનું મકાન પાડી નાંખવામાં આવ્યું હોય તો તે શું કરે? બુલડોઝર ફેરવનાર પાછળ દોડે? આ સંદર્ભમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો કોર્ટનો આદેશ માનવામાં આવ્યો ન હોય તો તેવા કિસ્સામાં તોડી પાડવામાં આવેલી પ્રોપર્ટીને ફરી રિપેર કરાશે અને પીડિતને વળતર આપવામાં આવશે. જો કે આ માટેનો ખર્ચ તોડફોડ કરનાર પાસેથી વસૂલ કરવા એડવોકેટ પ્રશાંત ભૂષણે સૂચન કર્યું હતું.
બદલાની ભાવનાથી બુલડોઝર ફેરવી શકાય નહીં
કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોઈ વ્યક્તિ દોષિત કે આરોપી હોય તો તેની સાથે બદલાની ભાવનાથી તેની મિલકતો કે સંપત્તિ પર બુલડોઝર ફેરવી શકાય નહીં. આ પ્રકારે કાર્યવાહી કરતા પહેલા જેની સંપત્તિ હોય તેને નોટિસ આપવી જરૂરી છે. જો કે સાર્વજનિક મિલકતો પર ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હોય તો તે સંદર્ભમાં કોર્ટ કોઈ દખલગીરી કરશે નહીં. આવી મિલકતોને તોડી પાડતા કોર્ટ રોકશે નહીં. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે બુલડોઝર આજકાલ શક્તિ પ્રદર્શનનું સાધન બની ગયા છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે હોય તો તેમાં રહેતા લોકોને 10થી 15 દિવસ પહેલા અન્ય સ્થળે ખસી જવાની નોટિસ આપવી જોઈએ.
Source link