વાઇસ એડમિરલ સર્જન આરતી સરીન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે. તેમણે મંગળવારે કાર્યભાર સંભાળ્યો. તેઓ ત્રિ-સેવા સશસ્ત્ર દળ ચિકિત્સા સેવાના વડાં તરીકે કાર્યભાર સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી છે, જે ભારતીય સૈન્યના ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે.
નોંધનીય છે કે DGAFMC સશસ્ત્ર દળો સંબંધિત મેડિકલ પોલિસીની બાબતોમાં સીધા સંરક્ષણ મંત્રાલયને ઉત્તરદાયી છે. ભારતીય સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે આરતી સરીન ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપનારા સર્વોચ્ચ રેન્કિંગવાળા મહિલા અધિકારી બની ગયા છે.
કોણ છે વાઇસ એડમિરલ આરતી સરીન?
વાઇસ એડમિરલ આરતી સરીન વિશાખાપટ્ટનમમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ પૂણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાં ભણ્યા. તેમણે 1985માં ભારતીય સૈન્યમાં પોતાની સેવાઓ શરૂ કરી. કરિયર દરમિયાન તેમણે સૈન્ય, નેવી અને એર ફોર્સમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રેડિયોડાયગ્નોસિસ અને રેડિયેશન ઓન્કોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા આરતી સરીન ગામા નાઇફ સર્જરીમાં પણ પ્રશિક્ષિત છે. તેઓ નેવી અને એર ફોર્સની ચિકિત્સા સેવાઓના ડાયરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે અને સધર્ન નેવી કમાન્ડ તેમજ વેસ્ટર્ન નેવી કમાન્ડના કમાન્ડ મેડિકલ ઓફિસર પણ રહ્યા છે. મહિલાઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા તાજેતરમાં તેમને ડૉક્ટર્સની સુરક્ષા વ્યવસ્થા માટે પ્રોટોકોલ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સના સભ્ય નીમ્યા હતા. ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને આ વર્ષે જુલાઈમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા અતિવિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાયા હતા.
Source link