આજકાલ ભારતમાં બ્રિટનનું જાણીતું રોક બેન્ડ ‘કોલ્ડપ્લે’ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં કોલ્ડપ્લેની કોન્સર્ટ થવાની છે.
થોડાક દિવસ પહેલાં આ કાર્યક્રમ માટેની ટિકિટોનું બુકિંગ શરૂ થયું હતું, પણ બુકિંગ થાય તેની પહેલાં જ ટિકિટિંગ સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. ફરીથી બુકિંગ શરૂ થયું તો ગણતરીની મિનિટોમાં જ બધી ટિકિટ વેચાઈ ગઈ. જેમને ટિકિટ ન મળી તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સાનો એકરાર કર્યો, તેમાં કેટલાક સેલિબ્રિટીઝ પણ સામેલ હતા. રોક બેન્ડનો કાર્યક્રમ ભલે ને આવતા વર્ષે થવાનો હોય પણ, પોપ મ્યુઝિકના ચાહકોમાં તેના માટે અત્યારથી જ જબ્બર ઉત્સાહ છે. આ જ કારણ છે કે કાર્યક્રમની ટિકિટો થોડીક જ મિનિટોમાં વેચાઈ ગઈ અને આયોજનસ્થળ પાસેની હોટલોનાં ભાડાં આકાશને આંબી ગયાં.
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે, જેની શરૂઆત 1996માં લંડનમાં થઈ હતી. રોક ગ્રૂપની શરૂઆત યુનિવર્સિટી કોલેજ લંડનમાં ઓરિએન્ટેશન વીકમાં થઈ હતી. અહીં જ ફ્રંટમેન ક્રિસ માર્ટિનની મુલાકાત જોની બકલેન્ડ સાથે થઈ અને બંનેએ મળીને એક ગ્રૂપ બનાવવાનું શરૂ કર્યું. એક વર્ષ બાદ સાથી વિદ્યાર્થી ગાઇ બેરિમેનના જોડાવાથી ગ્રૂપ ત્રણ લોકોનું થઈ ગયું અને ત્રણેએ પેક્ટોરલ્ઝ અને સ્ટારફિશ નામોથી સાઇડ પ્રોજેક્ટ કર્યા. બાદમાં ડ્રમ પર વિલ ચેમ્પિયનના જોડાવાથી ગ્રૂપ કોલ્ડપ્લે બની ગયું. તેમને આ નામ એક અન્ય સાથી વિદ્યાર્થી ટિમ ક્રોમ્પ્ટન પાસેથી મળ્યું હતું. ગ્રૂપે 1996થી 1998 સુધી સાથે મ્યુઝિક બનાવવાનું શરૂ કર્યું. 2000માં બેંડનો આલબમ યેલો ખૂબ પ્રસિદ્ધ થયો અને બ્રિટિશ આલબમ ઓફ ધ યર માટે બ્રિટ એવોર્ડ, બેસ્ટ અલ્ટનેટિવ મ્યુઝિક આલબમ માટે ગ્રેમી એવોર્ડ અને મર્કરી એવોર્ડ મળ્યા. 2002માં આવેલા બેન્ડના બીજા આલબમ એ રશ ઓફ બ્લડ ટૂ ધ હેડને પણ ખૂબ પ્રસિદ્ધિ મળી અને આ વખતે ફરી રેકોર્ડ ઓફ ધ યર માટે ગ્રેમી એવોર્ડ જીત્યો. 2005માં આવેલા બેન્ડના ત્રીજા આલબમ એક્સએન્ડવાય અને 2008માં આવેલા ચોથા આલબમ વિવા લા વિડા યા ડેથ એન્ડ ઓલ હિઝ ફ્રેન્ડ્ઝ ક્રમશઃ 2005 અને 2008માં દુનિયાભરમાં વર્ષના સૌથી વધારે વેચાતા આલબમ બની ગયા હતા. આ બંને આલબમ 30થી વધારે દેશોમાં ચાર્ટમાં ટોચ પર રહ્યા. વિવા લા વિડાએ બેસ્ટ રોક આલબમ માટે ગ્રેમી એવોર્ડ પણ જીત્યો. ત્યાર પછી કોલ્ડપ્લેએ ઘણા આલબમ બજારમાં મૂક્યા અને પ્રસિદ્ધિ અને પૈસા બંને કમાયું. દરેક આલબમે એક અનોખી પ્રસ્તુતિ કરી અને બેન્ડના ઓરિજિનલ પરફોર્મન્સના લિસ્ટમાં નવી મ્યુઝિક સ્ટાઇલને જોડી. બેંડ લાઇવ પરફોર્મન્સ માટે પણ દુનિયામાં મશહૂર છે. દુનિયાભરમાં 10 કરોડ આલબમના વેચાણ સાથે કોલ્ડપ્લે 21મી સદીનું સૌથી સફળ બેન્ડ છે. આ અત્યાર સુધીમાં સૌથી વધારે વેચાતા સંગીત કલાકારોમાંનું એક બેંડ છે. ઇતિહાસમાં સૌથી વધારે એવોર્ડ મેળવનારું છઠ્ઠું ગ્રૂપ પણ છે.
કોલ્ડપ્લેની ભારતમાં ચર્ચા કેમ છે?
તાજેતરમાં જ બેંડે ભારતમાં પોતાના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 18, 19 અને 21 જાન્યુઆરીએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં થશે. કોલ્ડપ્લે દુનિયાભરમાં ચર્ચિત થયેલા મ્યુઝિક ઓફ ધ સ્ફેયર્સ હેઠળ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, તેમાં ત્રણ શો માયાનગરી મુંબઈમાં રાખ્યા છે. પહેલાં તો કોલ્ડપ્લેએ પોતાના મુંબઈ શેડયૂલમાં માત્ર બે જ શો રાખ્યા હતા, પરંતુ, લોકોની દીવાનગી જોઈને તેમણે 21 જાન્યુઆરીનો ત્રીજો શો ઉમેર્યો.
ટિકિટ બાબતે શું થયું?
લગભગ આઠ વર્ષ બાદ કોલ્ડપ્લેની વાપસી બાબતે ભારતમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેંડે છેલ્લે 2016માં ભારતમાં ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલમાં પ્રસ્તુતિ કરી હતી. 18 અને 19 જાન્યુઆરીના શોની ટિકિટોનું વેચાણ 22 સપ્ટેમ્બરે બપોરે શરૂ થયું કે તરત જ વેબસાઇટ અને એપ પર સાત લાખ કરતાં વધારે દર્શકોની ભીડ ઊમટી પડી, જેનાથી થોડીક જ મિનિટોમાં સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. પ્રશંસકોએ પોતાની નિરાશાના અનુભવ સોશિયલ મીડિયા પર મૂક્યા. તેમાં ઘણા લોકોએ ઘણી રાહ જોવી પડી હોવાની અને એરર મેસેજની માહિતી આપી. બુકમાયશોએ લગભગ 20 મિનિટ પછી સિસ્ટમ શરૂ કરી, પરંતુ, ત્યાં સુધીમાં તો શોની ટિકિટો વેચાઈ ગઈ છે તેવી માહિતી મળી. બુકમાયશો કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ માટે સત્તાવાર ટિકિટિંગ પાર્ટનર છે.
શો થયા પહેલાં જ ટિકિટ પર વિવાદ
શો થયા પહેલાં જ તેની ટિકિટ પર વિવાદ શરૂ થઈ ગયો છે. વકીલ અમિત વ્યાસે પ્રશંસકો તરફથી બુકમાયશો, લાઇવ નેશન વિરુદ્ધ મુંબઈમાં આર્થિક અપરાધ શાખામાં એક ફરિયાદ દાખલ કરાવી છે. બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, ફરિયાદમાં મુંબઈમાં આયોજિત થનારા કોલ્ડપ્લે કોન્સર્ટ સાથે સંકળાયેલા મોટા પાયા પરના ટિકિટ કોભાંડનો આરોપ કરાયો છે. ફરિયાદમાં ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ્સ પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ કરાયો છે, જેના કારણે અસલી યૂઝર સત્તાવાર વેચાણ દરમિયાન ટિકિટ ન ખરીદી શક્યા.
શો કયા પ્રકારના હશે?
આ શોમાં એક પણ બ્રેક નહીં હોય. દર્શકને કલાકારને મળવાની કશી સુવિધા ઉપલબ્ધ નથી. લાઉન્જ ટિકિટમાં દર્શકોને ઘણી ખાસ સુવિધા મળશે, જેમાં પ્રીમિયમ ખાણીપીણી, ઊંચાઈથી જોવા માટે ડેક, અલગ અલગ એન્ટ્રી લેન, શૌચાલય અને પાર્કિંગ સામેલ છે. જોકે, આયોજન સ્થળ પર પાર્કિંગ ઉપલબ્ધ નથી. સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ટિકિટની કિંમત
બેંડે દર્શકોની માગને જોતાં પોતાના મુંબઈ શેડયૂલમાં ત્રીજો શો પણ ઉમેર્યો. આ વધારાની કોન્સર્ટની ટિકિટ રવિવારે બપોરે બે વાગ્યે લાઇવ થઈ, જે ફરી એક વાર ફટોફટ વેચાઈ ગઈ. બધા શોમાં દરેક યૂઝર મહત્તમ ચાર ટિકિટ ખરીદી શકતા હતા. શો માટે એક ટિકિટની ઓછામાં ઓછી કિંમત 2,500 રાખવામાં આવી હતી. જોકે, કોલ્ડપ્લેની ટિકિટોની કિંમત દશ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ શો માટે કશું પ્રિ-સેલ નહોતું રખાયું. શોના લગભગ એક અઠવાડિયા પહેલાં દર્શકોની ટિકિટ તેમના ઘરે પહોંચાડી દેવામાં આવશે.
શો કઈ રીતે થશે અને દર્શકોને કેવી સુવિધા મળશે?
બુકમાયશોએ જણાવ્યું છે કે એક શો ચાર કલાકનો હશે. કોન્સર્ટમાં ભાગ લેવા પાંચ વર્ષ કે તેનાથી વધારે વય હોવી જરૂરી છે. જોકે, બાળકો સાથે 18 વર્ષ કે તેનાથી વધારે વયના ટિકિટધારક હોવા જોઈએ. બાળકોને મંજૂરી છે પણ દરેક બાળક માટે માન્ય ટિકિટ ખરીદવી પડશે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક અલગ બેઠક વિભાગ હશે. એક વાર ટિકિટ સ્કેન થઈ ગયા બાદ દર્શકને કાર્યક્રમ સ્થળમાં ફરીથી પ્રવેશની મંજૂરી નહીં મળે. દર્શક કાર્યક્રમ સ્થળમાં પ્રવેશ કરતાં જ એલઇડી રિસ્ટબેંડ મળશે, જે શોનો ભાગ છે. બહાર નીકળતાં રિસ્ટબેંડ પાછો આપવાનો રહેશે, કેમ કે, શો પછી તેનું કશું કામ નથી. કાર્યક્રમ સ્થળે ખાણીપીણીની વસ્તુઓ ખરીદવા મળશે.
Source link