દ્વારકાની પાસે આવેલા શિવરાજપુર બીચ ખાતે સ્પોટર્સ એક્ટિવિટી ચાલુ કરવા માટે માગ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેકે બીચ પર સ્પોર્ટસ એક્ટિવિટી ચાલુ કરવા માટે માગ કરી છે.
ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
દ્વારકાની પાસે આવેલા શિવરાજપુર બીચ ખાતે સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ બંધ હાલતમાં છે, તેને લઈને બેઠક યોજાઈ હતી અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવા માટેની માગ સાથે ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બોટ રાઈડસ તેમજ વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવા માટે ધારાસભ્ય પબુભા માણેક પણ સરકારમાં રજૂઆત કરશે.
20 દિવસમાં એક્ટિવિટી ચાલુ નહીં થાય તો આંદોલનની ચીમકી
તમને જણાવી દઈએ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી 20 દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ખુદ ભાજપના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ યાત્રિકોની સુરક્ષાને લઈને શિવરાજપુર બીચ પર મંજૂરી વગર ચાલતી તમામ સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી.
ધારાસભ્ય પબુભા માણેકે અધિકારીઓને ખખડાવ્યા
ત્યારે હવે શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓની સતત ભીડ હોય છે, જેના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવા ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી અને તેમાં ધારાસભ્ય પબુભા માણેકે અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું કે મંજૂરી નહીં મળે તો અહીં તમામ ગામોના લોકોને બેસાડી સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરી દઈશું, જેને જે કરવું હોય તે કરે તેવું પબુભા માણેક બોલ્યા હતા.
આ કારણે તંત્રએ એક્ટિવિટ કરાવી હતી બંધ
તમને જણાવી દઈએ કે નવેમ્બર 2023માં દ્વારકામાં જિલ્લા તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અહીં સેફ્ટીના સાધનો વગર ચાલતા સ્કૂબા અને પેરાગ્લાઈડિંગના વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટીને તાળા મારી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ગેરકાયદેસર ચાલતી આ વોટર સ્પોર્ટ્સની કામગીરી પર તત્કાલિક અસર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક બનાવ સામે આવ્યો હતો, જેમાં એક યાત્રિક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન વ્યક્તિ ઉપરથી નીચે પટકાયો હતો અને જેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારે સલામતીની કોઈ ખાતરી ના હોવાના કારણે આ બનાવ બાદ કલેક્ટર દ્વારા એક્ટિવિટી બંધ કરાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Source link