TMC split West Bengal: પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે લોકસભામાં પણ તૃણમૂલના સાંસદોમાં મોટું ભંગાણ સર્જાયું છે. તૃણમૂલના બળવાખોર જૂથનો દાવો છે કે લોકસભાના કુલ 28 સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો અને ભાજપના નેતૃત્વવાળી NDA સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનરજી માટે આ એક ખૂબ જ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
કાકોલી ઘોષના નેતૃત્વમાં 14 સાંસદોની ભાજપ નેતા સાથે બેઠક
લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં તૃણમૂલનું એક મોટું જૂથ બળવા પર ઉતરી આવ્યું છે. કાકોલી ઘોષે દાવો કર્યો છે કે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થા આપવાની માંગ કરી છે અને આ સાંસદો એનડીએમાં જોડાવા ઇચ્છે છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસ્થાને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સાથે થયેલી એક બેઠકમાં તૃણમૂલના 14 સાંસદો હાજર રહ્યા હતા.
આ બળવાખોર જૂથમાં કાકોલી ઘોષ ઉપરાંત શતાબ્દી રોય, બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, દીપક અધિકારી (દેવ), કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહીર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનરજી અને પાર્થ ભૌમિક જેવા મોટા ચહેરાઓ સામેલ છે.
ત્રણ જૂથમાં વહેંચાઈ તૃણમૂલ: જાણો કોણ મમતા સાથે મજબૂતીથી ઊભું છે?
હાલના તબક્કે તૃણમૂલ બે નહીં પણ ત્રણ જૂથમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પહેલું જૂથ કાકોલી ઘોષનું છે જે બળવાખોર છે. જ્યારે બીજું જૂથ હજુ પણ મમતા બેનરજી સાથે મજબૂતીથી ઊભું છે. મમતા બેનરજીને વફાદાર રહેલા આ 7 સાંસદોમાં અભિષેક બેનરજી, સાયની ઘોષ, કીર્તિ આઝાદ, મહુઆ મોઇત્રા, સૌગત રોય, સુદીપ બંદોપાધ્યાય અને કલ્યાણ બેનરજીનો સમાવેશ થાય છે. કાકોલી ઘોષે પણ સ્પષ્ટ કર્યું છે કે આ નેતાઓ તેમના બળવાખોર જૂથનો ભાગ નથી.
શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાણ સહિત ત્રીજું જૂથ ‘સાયલન્ટ મોડ’માં
આ રાજકીય ધરતીકંપ વચ્ચે તૃણમૂલના કેટલાક સાંસદો એવા છે જેઓ અત્યારે ‘સાયલન્ટ મોડ’માં છે. તેઓ ન તો ખુલ્લેઆમ મમતા બેનરજીનો પક્ષ લઈ રહ્યા છે કે ન તો બળવાખોર જૂથ સાથે જોવા મળી રહ્યા છે. આ ત્રીજા જૂથમાં સજદા અહેમદ, રચના બેનરજી, પ્રતિમા મોંડલ, માલા રોય, મિતાલી બેગની સાથે સાથે જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામેલ છે. આ નેતાઓએ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી, જેના કારણે તેમના આગામી રાજકીય પગલા અંગે માત્ર અટકળો જ ચાલી રહી છે.
પક્ષપલટા વિરોધી કાયદો અને મમતા જૂથનો દાવો
કાયદાકીય રીતે જોઈએ તો, પક્ષપલટા વિરોધી કાયદા(એન્ટી ડિફેક્શન લો)ની જોગવાઈઓથી બચવા અને લોકસભામાં સાંસદ પદ બચાવવા માટે કાકોલી ઘોષ જૂથને ઓછામાં ઓછા 19 સાંસદોના સમર્થનની જરૂર છે. કાકોલી ઘોષે 20 સાંસદોનો દાવો કર્યો છે પરંતુ હજુ સુધી માત્ર 14 નામ જ સામે આવ્યા છે.
બીજી તરફ, મમતા બેનરજીના નજીકના નેતાઓ આ દાવાને નકારી રહ્યા છે. તૃણમૂલના સાંસદ કીર્તિ આઝાદે આક્ષેપ કર્યો છે કે આ અફવાઓ ભાજપના ‘ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ’ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર યાદવના ઘરે મળેલી બેઠકમાં માત્ર 13 સાંસદો જ હાજર હતા, જેમાંથી 12 લોકસભાના અને 1 રાજ્યસભાના હતા. આ સિવાય અન્ય કોઈએ પત્ર પર સહી કરી નથી, તેથી 20 સાંસદો હોવાની વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે.


Leave a Comment