ગીર પંથકમાં સિદી આદિવાસીનાં ઉત્કર્ષ માટેની વિકાસ યોજનાઓ માત્ર કાગળ પર છે. તાલાલા વિધાનસભાના જાંબુર ગીર ગામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. બે વર્ષથી આંગણવાડીના 147 બાળકોની રઝળપાટ છે. એક માત્ર બાળ આંગણવાડી પડી ગયા બાદ છતે પૈસે નવી બંધાતી નથી. બિલાડીના બચ્ચાની માફક પાંચ વાર જગ્યા બદલાવાઈ છે. સરકાર ચિંતિત પરંતુ સ્થાનિક કક્ષાએ રાજકીય ઇચ્છાશક્તિ અને અધિકારીઓની આળસ રૂ.1.58 કરોડના વિકાસ કામોની ગ્રાન્ટ સરકારી તિજોરીમાં ધૂળ ખાય છે.
તાલાલા વિધાનસભામાં વિકાસ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સામે આવી
ગીરના ગરીબ આદિવાસી સમુદાય માટે સરકાર ખુબજ ચિંતિત હોવા ના દાવાઓ વચ્ચે તાલાલા વિધાનસભામાં વિકાસ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સામે આવી છે. તાલાલાનાં માધુપુર જાંબુર ગીર ગામના આદિવાસી પરિવારોનાં ઉત્કર્ષ માટે પી.એમ.જન ધન તથા મુખ્યમંત્રી આદિમ જુથ સર્વાંગી વિકાસ યોજનાની કામગીરી માટે આવેલ રૂ.1 કરોડ 58 લાખની વિકાસ ગ્રાન્ટ સ્થાનિક નેતાગીરી અને અધિકારીઓની આળશને કારણે સરકારી તિજોરીમાં પડી પડી ધુળ ખાય છે જેના પગલે ગરીબ અને પછાત સિદી આદિવાસી પરિવારો હતાશ થઈ ગયા છે. જાંબુર ગામના સ્થાનિક સિદી આદિવાસી સમુદાયના લોકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નેતાઓ મત માટે જ આવે છે પછી અમારી ભાળ કોઈ લેતું નથી.
ગરીબ અને પછાત પરિવારોમાં સર્વત્ર નિરાશા છવાઈ
માધુપુર ગીર ગામના સામાજીક કાર્યકર વિજયભાઈ હિરપરાએ જણાવ્યુ હતુ કે જાંબુર ગીર ગામમાં એક જ બાળ આંગણવાડી હતી જેમાં ગામના 147 ભુલકા અભ્યાસ કરતા બાલવાડી જર્જરીત થતાં ડિમોલેશન કરી નવી બાલવાડી બનાવવા માટે રૂ.12 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ જેને બે વર્ષ થયા પરંતુ નવી બાલવાડી બનાવવા કામગીરી શરૂ થતી નથી. તંત્રના પાપે ગામના ગરીબ પછાત 147 આદિવાસી બાળકો પ્રાથમિક શિક્ષણ વગર રઝળી પડયા છે. આ ઉપરાંત નદીના પુરના પાણી ગામમાં ઘુસી જાય નહીં માટે પુર સંરક્ષણ દિવાલ માટે આવેલ રૂ.87 લાખની ગ્રાન્ટ,આદિમ જુથ કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.16 લાખ, સર્વિસ રોડ બનાવવા રૂ.13 લાખ સહિત સરકારે આદિવાસી પરિવારોનાં સર્વાંગી વિકાસ માટે રૂ.1 કરોડ 58 લાખની ગ્રાન્ટ ફાળવી પરંતુ સરકારી તંત્રના પાપે ગ્રાન્ટ બે વર્ષથી સરકારી તિજોરીમાં ધુળ ખાય છે. સરકારે ફાળવેલ ગ્રાન્ટનાં મીઠા ફળનાં સ્વાદથી ગરીબ પછાત સિદી આદિવાસી પરિવારો વંચિત હોય ગરીબ અને પછાત પરિવારોમાં સર્વત્ર નિરાશા છવાઈ ગઈ છે.
Source link