આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. 11 દિવસમાં વિશ્વભરમાં ફિલ્મે ₹588 કરોડની કમાણી કરી છે અને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે. જોકે, ફિલ્મની વધતી લોકપ્રિયતા વચ્ચે પાકિસ્તાનમાં તેનો કડક વિરોધ શરૂ થયો છે.
પાકિસ્તાનમાં ‘ધુરંધર’ સામે FIR નોંધવાની માંગ સાથે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોલીસને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.
- PPPને બદનામ કરવાનો આરોપ
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના કાર્યકર્તા મોહમ્મદ આમિરે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 22-એ અને B હેઠળ અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં PPPને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી છે.
- લ્યારીને “આતંકવાદી યુદ્ધ ક્ષેત્ર” બતાવવાનો વિવાદ
અરજી મુજબ, ફિલ્મમાં કરાચી અને ખાસ કરીને લ્યારી વિસ્તારને “આતંકવાદી યુદ્ધ ક્ષેત્ર” તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે ઉશ્કેરણીજનક, ભ્રામક અને ખોટું છે. અરજદારના મતે, લ્યારીમાં આવી કોઈ પરિસ્થિતિ ક્યારેય રહી નથી અને આ રજૂઆત પાકિસ્તાનની છબીને નુકસાન પહોંચાડે છે.
- ભુટ્ટોના ફોટોગ્રાફ્સના ઉપયોગ પર વાંધો
મોહમ્મદ આમિરે વધુમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનલ કન્ટેન્ટમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ભુટ્ટો, PPPના ધ્વજ અને રેલીના દ્રશ્યો કાનૂની પરવાનગી વિના ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
- FIR નોંધવાની માંગ
અરજદારે દરખશન પોલીસ સ્ટેશનના SHOને લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. હવે કોર્ટએ પોલીસને નોટિસ આપી આ મામલે તપાસ કરીને જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
- ફિલ્મની સફળતા છતાં વિવાદ
એક તરફ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં ઊભેલા કાનૂની વિવાદને કારણે ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.


Leave a Comment