NATIONAL

Dussehra: દેશભરમાં લાગ્યા જય શ્રી રામના નારા… ધામધૂમથી દશેરાની ઉજવણી

સમગ્ર દેશમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. કાશ્મીરથી દિલ્હી, બિહારથી મહારાષ્ટ્ર સુધી દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાવણના પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા ખાતેની રામલીલામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહ્યા હતા. મંચ પર જતા પહેલા પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ રામ-લક્ષ્મણને તિલક લગાવીને આરતી કરી, ત્યારબાદ તેઓ મંચ પર પહોંચ્યા અને ધનુષ્યમાંથી તીર છોડી રાવણના પૂતળાનું દહન કર્યું.

રાહુલ ગાંધીએ નવ શ્રી ધાર્મિક રામલીલા સમિતિની રામલીલામાં ભાગ લીધો

બીજી તરફ કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લાલ કિલ્લા પર જ નવ શ્રી ધાર્મિક રામલીલા સમિતિની રામલીલામાં ભાગ લીધો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર હતા. દિલ્હીમાં રાવણ દહનની શરૂઆત સાથે જ દેશભરમાં વિજયાદશમીની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. વિવિધ રાજ્યોમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

કાશ્મીરથી બિહાર સુધી વિજયાદશમીની ઉજવણી

બિહારઃ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પટનાના ગાંધી મેદાન પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓએ રામલીલાનું મંચન જોયું અને પછી રાવણના પૂતળાનું દહન કર્યું.

જમ્મુ-કાશ્મીર

શ્રીનગરના એસકે સ્ટેડિયમમાં રાવણના 30 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પુતળા દહન સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પહેલા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં પણ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

દિલ્હી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લાલ કિલ્લાના માધવદાસ પાર્કમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ ધનુષમાંથી તીર છોડીને રાવણના પૂતળાનું દહન કર્યું હતું.

ઉત્તરપ્રદેશ

વિજયાદશમીના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના રામલીલા મેદાનમાં દશેરાની ઉજવણીમાં ભાગ લેતી વખતે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવતા કલાકારોના કપાળ પર તિલક લગાવ્યું હતું.

પશ્ચિમ બંગાળ

વિજયાદશમી નિમિત્તે બાલીગંજ 21 પલ્લી સર્બોજનીન દુર્ગોત્સવ સમિતિ દ્વારા સિંદૂર ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંદૂર ખેલમાં મહિલાઓએ ભાગ લીધો હતો. વિજયાદશમી નિમિત્તે કોલકાતામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝારખંડ

વિજયાદશમીના અવસર પર મુખ્યમંત્રી હેમંત સોરેને રાંચીમાં દશેરા ઉત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સીએમએ ત્યાં રાવણના પૂતળાનું દહન પણ કર્યું હતું.

રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, આ તહેવાર ઉચ્ચ માનવ આદર્શોમાં આપણી શ્રદ્ધાને વધુ મજબૂત કરવા પ્રેરણા આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, દશેરાના તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button