
144 વર્ષ બાદ અનેરો અવસર આવ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી કરોડો લોકો પહોંચ્યા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આ ધાર્મિક અવસરમાં દેશ વિદેશના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકો પણ પહોંચ્યા છે. કેટલા લોકો મહાકુંભ પહોંચ્યા તેના રોજબરોજ નવા આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે અહેવાલો મળ્યા છે કે સલમાન ખાન પણ અનંત અને રાધિકા અંબાણી સાથે મહાકુંભ પહોંચ્યા હોય.
અંબાણી પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા સલમાન ખાન?
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે અનંત -રાધિકા અંબાણીની સાથે સલમાન ખાન મહાકુંભ પહોંચ્યા. અત્યારે AIના યુગમાં સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વીડિયો સામે આવે છે. જે ખરેખર સાચા છે કે ખોટા તે નક્કી કરવુ મુશ્કેલ બને છે. મહાકુંભમાં સ્નાનને લઇને તો એવા ઘણા સેલિબ્રિટીઝના વીડિયો અને ફોટા સામે આવ્યા છે. AIએ ઘરે બેઠા જ સેલિબ્રિટીઝને મહાકુંભમાં સ્નાન કરાવી દીધુ હોય. પછી તે બોલિવૂડના અભિનેતાઓ હોય કે પછી ક્રિકેટર્સ.
જાણો શું છે રિયાલીટી ?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાધિકા, સલમાન અને અનંત અંબાણી તંબુ પાસેથી પસાર થતા જોવા મળે છે. ત્રણેય સાથે કડક સુરક્ષા જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે સંદેશ ડિઝિટલ દ્વારા સલમાન ખાન અને અનંત રાધિકાના વાયરલ વી઼ડિયો અંગે ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે આ વીડિયો ફેક છે. આ વીડિયો મહાકુંભનો નહી પરંતુ જામનગરનો છે. જ્યારે રાધિકા અને અનંતનું પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું તે સમયનો વીડિયો છે. આ જૂનો વીડિયો મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો છે.