નોઇડાના સેક્ટર-74માં નિર્માણાધીન લોટસ ગ્રાન્ડ્યુર બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ લાગતાં એક ઇલેક્ટ્રિશિયનનું મોત થયું છે. ફાયરની 15 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. બેન્કવેટ હોલમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. બેન્ક્વેટ હોલની સાઈઝ મોટી હોવાને કારણે આગ ઓલવવામાં ઘણો સમય લાગ્યો હતો. આગના કારણે ઘણું નુકસાન પણ થયું છે.
ડીસીપીએ આ માહિતી આપી હતી
ડીસીપી નોઈડા રામબદન સિંહે કહ્યું કે અડધી રાત્રે લગભગ 3.30 વાગ્યે અમને માહિતી મળી કે નોઈડા સેક્ટર 74ના લોટસ ગ્રાન્ડ્યુર બેન્ક્વેટ હોલમાં આગ લાગી છે. માહિતી મળતાની 15 મિનિટમાં ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડીસીપીએ જણાવ્યું કે આ ઘટનામાં પરમિંદર નામના ઈલેક્ટ્રિશિયનનું દાઝી જવાને કારણે મોત થયું હતું. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
મૃતક બાગપતનો રહેવાસી હતો
મૃતક ઈલેક્ટ્રિશિયનની ઓળખ પરમિંદર (25 વર્ષ) તરીકે થઈ છે. મૃતક યુપીના બાગપતનો રહેવાસી હતો. આગ લાગી ત્યારે તે પેનલ રૂમમાં સૂતો હતો. આ અંગે પરમિંદરના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ડીસીપીએ જણાવ્યું હતું કે બેન્ક્વેટ હોલ લાકડાનો બનેલો હોવાથી કેટલાક ભાગો હજુ પણ ઓલવાયો નથી.