શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શકિતપીઠ માં આદ્યશક્તિ પીઠ તરીકે જાણીતું છે. અંબાજીમાં ભાદરવી પૂનમે, નવરાત્રિમાં અને દિવાળીના પર્વમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સીસીટીવીની નજરમાં 70થી વધુ લોકો ભંડારાની ગણતરીમાં જોડાયા
અંબાજી ખાતે દિવાળીના વેકેશનમાં માતાજીનાં ભક્તો દિવાળીથી દેવ દિવાળી સુધી માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યારબાદ ભક્તોએ માતાજીનો ભંડારો પણ છલકાવી દીધો હતો. અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે, જેમાં સીસીટીવીની નજરમાં 70થી વધુ લોકો ભંડારાની ગણતરીમાં જોડાયા હતા. ત્રણ અલગ અલગ ખુલેલા ભંડારાની ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે.
દિવાળી બાદના પ્રથમ ભંડારામાં રૂપિયા 64 લાખની આવક થઈ
અંબાજી મંદિરમાં ભક્તો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે પણ ભક્તોએ માતાજીના ભંડાર અને ગબ્બર પર્વતના મંદિરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચઢાવી હતી. દિવાળી બાદના પ્રથમ ભંડારામાં રૂપિયા 64 લાખની આવક થઈ હતી, ત્યારબાદ બીજા ભંડારામાં રૂપિયા 52 લાખની આવક થઈ હતી અને ત્રીજા ભંડારાની ગણતરીમાં અંદાજે 45 લાખ રૂપિયાની આવક થઈ હતી.
હવનશાળામાં મોટી સંખ્યામાં ભક્તો હવનમાં જોડાયા
અંબાજી મંદિરની હવનશાળામાં મોટી સંખ્યામાં નડિયાદના ભક્તો હવનમાં જોડાયા હતા. સામૂહિક નવચંડી યજ્ઞ નડિયાદથી અંબાજી દર વર્ષે આવતા ભક્તો અહીં હવન શાળામાં હવનમાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનું ચાંદી પણ ભેટ આપતા હોય છે. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન પણ મંદિરના મોટા પ્રમાણમાં આવક થઈ હતી અને કરોડો રૂપિયાનું સોનું પણ માં અંબાને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. કેટલાક દાતાઓએ નામ જાહેર ના કરવાની શરતે પણ કરોડો રૂપિયાનું અને સોનાનું દાન માં અંબાને અર્પણ કર્યું હતું.
Source link