કેન્દ્ર સરકારના જળ જીવન મિશન હેઠળની નલ સે જલ યોજનામાં ગુજરાત ખાતે તમામ ગામોમાં શું શું કામગીરી થઈ, કેટલા ઘરોમાં નળ કનેક્શન દ્વારા પાણી મળતું થયું વગેરે વિગતો 30 દિવસમાં વેબસાઇટ ઉપર અપલોડ કરવા તેમજ સમયાન્તરે આ વિગતોને અપડેટ કરવા રાજ્ય માહિતી આયોગે પાણી પુરવઠા વિભાગ હેઠળના’વાસ્મો’ તંત્રને આદેશ આપ્યો છે.
આ હુકમને પગલે નલ સે જલ યોજનામાં થયેલી કામગીરીની સંપૂર્ણ વિગતો જાહેર જનતાને ઉપલબ્ધ થશે. ભરૂચના એક અરજદારે ભરૂચ જિલ્લાની ‘વાસ્મો’ની કચેરી સમક્ષ નલ સે જલ યોજના અંતર્ગત કેટલા ઘરોમાં નળ જોડાણો અપાયાં, કેટલા તાલુકા, કેટલા ગામોમાં ભૂગર્ભ સંપ, પમ્પ ઘરો અને પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું, 2019થી 2023 સુધી આ યોજનામાં કઈ કઈ ગ્રાન્ટની કેટલી રકમ વપરાઈ, કઈ ખાનગી એજન્સીઓ દ્વારા કામો થયા તે બધા મુદ્દાની માહિતી માગી હતી. કચેરીએ આ કામગીરી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે એવું કહી આ બધી વિગતો પાણી સમિતિઓ પાસેથી મેળવવા જણાવાયું હતું. બાદમાં આ અરજદારે ગાંધીનગર સ્થિત માહિતી આયોગમાં બીજી અપીલ ફાઇલ કરી હતી, જેની સુનાવણીમાં માહિતી કમિશનર દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, નલ સે જલ યોજનામાં કોઈ નાગરિકને તેના ગામમાં શું કામગીરી થઈ છે તે જાણવું હોય તો વાસ્મોની વેબસાઇટ ઉપર કોઈ માહિતી જ ઉપલબ્ધ નથી. હકીકતમાં તો માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) ખના મેન્યુઅલ 11,12,13 પ્રમાણે યોજનાઓ, તેમાં થયેલા ખર્ચા ચૂકવાયેલા નાણાં, ફાળવાયેલી રકમો, આપેલી પરવાનગીઓ વગેરે વિગતો તો સામે ચાલીને જાહેર કરવાની થાય છે. આયોગે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, કાયદા મુજબ દરેક સત્તામંડળે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર કરવા ફરજિયાત છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ સંદર્ભે 10થી વધુ પરિપત્રો કર્યા છે, તેમ છતાં વાસ્મો દ્વારા અમલ કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે પણ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અંગે માહિતી આયોગને સૂચના આપેલી છે, તેમ પણ આયોગે તેના ચુકાદામાં નોંધ્યું હતું.
Source link