ગુજરાતમાં પારો ગગડ્યો, અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી નોંધાતા ઠંડીનો અનુભવ

by

Thenewsdk

Updated: 11-11-2025, 06.46 AM

Follow us:

રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીના ચમકારા શરૂ થયા છે, અને અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, સોમવારે રાત્રે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું હતું,

જ્યાં લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે જ, કચ્છ, ગાંધીનગર, અમરેલી અને વડોદરા સહિત અનેક શહેરોમાં પણ પારો ઘટતાં શિયાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે.

  • તાપમાનમાં વધુ બે ડિગ્રીનો ઘટાડો

અમદાવાદમાં શિયાળાનો માહોલ ધીમે ધીમે અસલ રૂપ ધારણ કરી રહ્યો છે. શહેરમાં સળંગ બીજી રાત્રે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં આશરે 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 12 નવેમ્બર બાદ શહેરમાં તાપમાનમાં વધુ બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે,

જેના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે. નોંધનીય છે કે, છેલ્લા 15 વર્ષમાં નવેમ્બર મહિનામાં અમદાવાદનું સૌથી નીચું તાપમાન 29 નવેમ્બર 2012ના રોજ 11.3 ડિગ્રી નોંધાયું હતું. તાજેતરના આંકડાઓ પરથી લાગે છે કે આ વર્ષે પણ શહેરમાં ઠંડીનો રેકોર્ડ તૂટવાની શક્યતા છે.

  • ઠંડીના ચમકારા વધતાં લોકો ગરમ વસ્ત્રોમાં દેખાવા લાગ્યા

કચ્છ જિલ્લામાં પણ શિયાળાની શરૂઆતની ઠંડી તેજ બની રહી છે. નલિયા અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાતા, બંને મથકો રાજ્યમાં બીજા ક્રમે સૌથી ઠંડા રહ્યા. ખાસ કરીને નલિયામાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.

ઠંડીના ચમકારા વધતાં લોકો ગરમ વસ્ત્રોમાં દેખાવા લાગ્યા છે અને વહેલી સવારના સમયમાં રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું.

  • સવારે હળવો પવન ફૂંકાતાં ઠંડીની અસર

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યના કુલ 8 શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. તેમાં દાહોદ, ગાંધીનગર અને નલિયા ઉપરાંત અમરેલી, વડોદરા, ડીસા અને રાજકોટનો સમાવેશ થાય છે.

આ શહેરોમાં સવારે હળવો પવન ફૂંકાતાં ઠંડીની અસર વધુ અનુભવી રહી છે. ખેડૂતો માટે આ હવામાન અનુકૂળ ગણાય છે, ખાસ કરીને ઘઉં અને શિયાળુ પાક વાવેતર માટે યોગ્ય પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.