ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી રાજ્યના વિવિધ મેદાનો પર શરૂ થશે.
ભરતી બોર્ડ મુજબ, લાયક ઉમેદવારો 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
શારીરિક કસોટી આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને નિર્ણાયક તબક્કો છે. દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરનાર અને ઊંચાઈ, છાતી તથા વજન જેવા માપદંડોમાં પાસ થનાર ઉમેદવારોને જ લેખિત પરીક્ષા આપવા મંજૂરી મળશે. ઉમેદવારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી ભરતી બોર્ડે રાજ્યભરમાં મેદાનો અને સ્ટાફની વિશેષ વ્યવસ્થા કરી છે.
પારદર્શકતા જાળવવા માટે દોડ દરમિયાન RFID ચિપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવશે.
ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફરતી ખોટી તારીખો અને અફવાઓથી સાવધાન રહે. ભરતી સંબંધિત તમામ માહિતી માત્ર GPRBની સત્તાવાર વેબસાઈટ અને અધિકૃત માધ્યમો પરથી જ મેળવવી.
શારીરિક કસોટી માટે હવે થોડા જ દિવસો બાકી હોવાથી નિષ્ણાતો ઉમેદવારોને પૂરતી ઊંઘ, યોગ્ય આહાર અને માનસિક તૈયારી પર ધ્યાન આપવા સલાહ આપી રહ્યા છે. સમયસર મેદાન પર પહોંચવું અને આત્મવિશ્વાસ સાથે દોડ પૂર્ણ કરવી એ લેખિત પરીક્ષા તરફનો પહેલો પગથિયો સાબિત થશે.


Leave a Comment