GUJARAT

Gujarat Rains: રાજ્યના 210 તાલુકામાં મેઘરાજા વરસ્યા, માંડવીમાં 11.5 ઈંચ વરસાદ

  • સૌથી વધુ કચ્છના માંડવીમાં 11.5 ઈંચ વરસાદ વરસ્યો
  • કચ્છના મુન્દ્રામાં 7.5 ઈંચ વરસાદ, દ્વારકા તાલુકામાં 5.5 ઈંચ વરસાદ
  • રાજ્યના 4 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ

આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના માંડવીમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આવતીકાલે કચ્છની તમામ શાળાઓમાં રજા જાહેર

જ્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 7.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો દ્વારકા તાલુકામાં 5.5 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 5.2 ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 4 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે આવતીકાલે કચ્છની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે. ભારે વરસાદના કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓ બંધ રહેશે સાથે જ નોન ગ્રાન્ટેડ શાળામાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

માંડવીમાં ભારે પવન ફૂંકાતા કેટલાક વૃક્ષો ધરાશાયી થયા

તમને જણાવી દઈએ કે માંડવીના વાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે જ ભારે પવન ફૂંકાતા કેટલાક વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે માંડવી તાલુકાના આસંબિયા ગામનો વનોઢી ડેમ ઓવરફ્લો થતા પાણી આસપાસની વાડીમાંથી નીકળતા ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે.

પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ

બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી શકે છે. રાજ્યમાં આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ રહેવાની શકયતાઓ સેવાઈ રહી છે. 30 ઓગસ્ટે વરસાદનું જોર ઘટશે પણ એ પહેલા ગુજરાતમાં સારો વરસાદ થશે. હાલ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ રહેલી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.

ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ડીપ ડિપ્રેશન, ઓફશૅર ટ્રફ અને મોનસુન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button