જેમ જેમ શિયાળાની ઠંડી વધે છે, તેમ તેમ ઘણા લોકોને હાથ અને પગમાં ઠંડક, ઝણઝણાટ અને સુન્નતા જેવી સમસ્યાઓ અનુભવાય છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે અથવા ભારે ઠંડીમાં આ સમસ્યા વધુ તીવ્ર બની જાય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય શરદી માનીને અવગણે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ નર્વની સમસ્યાનું પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે.
શું આ સમસ્યા સામાન્ય છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડા હવામાનમાં હાથ અને પગમાં સુન્નતા આવવી મોટાભાગે શરીરની કુદરતી પ્રતિક્રિયા છે. ઠંડી દરમિયાન શરીર હૃદય અને મગજ જેવા મહત્વપૂર્ણ અંગોને સુરક્ષિત રાખવા માટે હાથ-પગમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે. પરિણામે આંગળીઓમાં ઠંડક, ઝણઝણાટ અથવા નિષ્ક્રિયતા અનુભવાય છે. જો હાથ-પગ ગરમ કર્યા બાદ અથવા મોજા પહેરવાથી સમસ્યા દૂર થઈ જાય, તો તે સામાન્ય ગણાય છે.
ક્યારે બને છે નર્વની સમસ્યાનો સંકેત?
જો હાથ-પગમાં સુન્નતા વારંવાર થાય, લાંબા સમય સુધી રહે અથવા ઠંડી વગર પણ અનુભવાય, તો તે ચેતવણીરૂપ સંકેત હોઈ શકે છે. સાથે બળતરા, દુખાવો, નબળાઈ, ચાલવામાં કે વસ્તુ પકડવામાં મુશ્કેલી થાય તો તરત ધ્યાન આપવું જરૂરી છે.
ડાયાબિટીસ, વિટામિન B12 ની ઉણપ, નર્વ પર દબાણ અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું તેના મુખ્ય કારણો હોઈ શકે છે.
બચાવ માટે શું કરવું?
- ઠંડીમાં હાથ-પગ ઢાંકીને રાખો
- હુંફાળા પાણીથી હાથ-પગ ગરમ કરો
- લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાનું ટાળો
- વિટામિન B12 થી ભરપૂર સંતુલિત આહાર લો
- હળવી કસરત અને સ્ટ્રેચિંગ કરો
- સમસ્યા લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરની સલાહ લો


Leave a Comment