બિસ્માર રોડ, ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. અરજદારે આ મુદ્દે કોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે, સરકારના ચૂંટણી ઢંઢેરા જેવા વાયદા નહીં કામ જોઈએ. સારા રોડ, ટ્રાફિક નહીં, પાર્કિંગ વ્યવસ્થાની માગ કરવામાં આવી. કોર્ટના આદેશ છતા અમલવારી કરવામાં આવતી નથી. કોર્ટે ઘણો સમય આપ્યો છતા સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકો દ્વારા હજુ પણ નદીમાં કચરો નાખવામાં આવે છે. ખારીકટ કેનાલમાં હજી પણ કચરો નાખવામાં આવે છે.
કર ભરનારને સારી સુવિધાઓ આપવી જોઈએ આ કેસ નવી બેન્ચ સામે પ્રસ્તુત થયો હોવાથી અરજદારે અગાઉના કોર્ટના નિરીક્ષણો ટાંક્યા હતા. જેમાં જણાવાયું હતું કે રોડ બનાવતી વખતે અને રિસર્ફેસિંગ કરતી વખતે નિરીક્ષણ કરવામાં આવતું નથી. એટલે પ્રજાના પૈસા પાણીમાં જાય છે. ખરાબ રોડ પાછળ ભ્રષ્ટાચાર અને નેપોટીઝમ પણ જવાબદાર છે. ઓફિસરોએ એક્ટિવ થવું જરૂરી છે. કર ભરનારને સારી સુવિધાઓ આપવી જોઈએ. રોડ બનાવવા હલકું મટીરીયલ વપરાય છે અને ભુવા પડે છે. લોકલ ઓથોરિટીનું કામ લોકોને સુવિધા પૂરી પાડવાનું છે, અમુક લોકોને રોજગારી આપવાનું નથી. બંધારણ લોકોને સારુ જીવન જીવવાનો હકક આપે છે. ઓથોરિટી તેની ફરજ નહિ નિભાવે તો કોર્ટ આદેશ આપશે.
વરસાદમાં નાગરિકો હેરાન થાય છે અરજદારે જણાવ્યું હતું કે AMC નો પ્રિ મોન્સુન પ્લાન કાગળ ઉપર જ હોય છે. વરસાદમાં નાગરિકો હેરાન થાય છે. પહેલાના સમયમાં ચોમાસા પહેલા ડ્રેનેજ સાફ થતી હતી. હવે રોડ ઉપર પાણી ભરાવાથી રસ્તા ખરાબ થાય છે. કોર્ટે AMC ને પૂછ્યું હતું કે રોડના નિરીક્ષણ માટે એન્જિનિયર રાખો છો કે થર્ડ પાર્ટી નિરીક્ષણ કરાવવામાં આવે છે? AMC એ જણાવ્યું હતું કે દર વર્ષે એપ્રિલ મહિના બાદ રોડ અને ગટરને લગતા કામ કરવામાં આવે છે. ખાડા પૂરવામાં આવે છે અને રોડ રીસરફેસ કરાય છે. ચાલુ ચોમાસામાં રોડ ઉપર ખાડાને લગતા 5463 ફોન આવ્યા હતા. જેમાંથી ફક્ત 82 ખાડા પૂરવાના બાકી છે. 24 કલાકમાં તેનો નિકાલ કરાય તેવા AMC ના પ્રયત્નો હોય છે.
શેલામાં પડેલ ભુઓ પણ પૂરી દેવામાં આવ્યો છેAMC
AMC એ જણાવ્યું હતું કે શેલામાં પડેલ ભુઓ પણ પૂરી દેવામાં આવ્યો છે. તે રોડ ઉપર ટ્રાફિક પણ શરૂ થઈ ગયો છે. પણ અહીં AMC ભરાઈ ગયું હતું. કારણ કે કોર્ટે કહ્યું હતું કે આ વાત ખોટી છે. ત્યાં રોડ ઉપર વાહનોની અવર જવર શરૂ થઈ નથી. જેથી એક જ બાજુનો રસ્તો ખુલ્લો હોવાનું AMC એ સ્વીકાર્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે તમે જલ્દી ખાડા ભરો છો પણ ખાડા પડે છે કેમ? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટી ટેન્ડર આપીને રોડ બનાવાય છે. તમારા એન્જિનિયર શું કરે છે? AMC એ જણાવ્યું હતું કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ કામ કરે જ છે અને રોડ બનાવતા નિરીક્ષણ પણ કરે છે. વળી નિયમો મુજબ મોટા કામમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ કંપની પણ રાખવી પડે છે. કેટલાય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરાયા છે. રોડ બન્યા બાદ 03 થી 05 વર્ષ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. તેમ છતાં સુધારાની શક્યતાઓ દરેક સ્ટેજ ઉપર હોય છે.
કોર્ટે AMC પર કટાક્ષ કર્યો
ખૂબ વરસાદ આવે ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જે સંદર્ભે કોર્ટે કટાક્ષ કર્યો હતો કે 2mm વરસાદ પણ AMC માટે ભારે વરસાદ કહેવાય છે. કોર્ટે AMC ને આદેશ કર્યો હતો કે અરજદારે અમદાવાદના રોડની સ્થિતિ અંગે ફાઈલ કરેલ એફિડેવિટનો AMC જવાબ આપે અને કયા પગલાં લીધા તે પણ જણાવે. રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ મૂકે. કોર્ટે નોંધ્યું હતું રોડ બનાવીને તુરંત બીજા કામ માટે તેને તોડવામાં આવે છે. ડ્રેનેજ લાઈનમાં લીકેજ હોવાથી ભુવા પડે છે.
પાર્કિંગ પોલિસીમાં ટ્રાફિક પોલીસની મોટી ભૂમિકા છે અરજદારે કોર્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અંગે જણાવ્યું હતું કે કોર્ટ લોકશાહીનો ત્રીજો અને મધ્ય સ્તંભ છે. તેના આદેશોનું પાલન થવું જ જોઈએ. AMC ને દર વખતે મોકો આપી શકાય નહિ. પાર્કિંગ પોલિસી પણ બની હોવા છતાં તેનો અમલ કરાયો નથી. પાર્કિંગ પોલિસીમાં ટ્રાફિક પોલીસની મોટી ભૂમિકા છે. કોર્ટે કહ્યું હતું કે તે એક પછી એક મુદ્દા હાથ ઉપર લેશે. આવતી મુદતે AMCના જવાબ બાદ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસેથી કોર્ટે આ કેસ સંદર્ભે જે રીપોર્ટ બનાવડાવ્યા છે તેને જોવામાં આવશે.
ઢોર પકડવામાં એક હજાર કરતાં વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા અંતે આ કેસમાં રખડતાં ઢોર અંગે માલધારી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઢોર પકડવામાં એક હજાર કરતાં વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. ઓથોરિટી રસ્તા પર રખડતાં નહિ પરંતુ ઘરમાં બાંધેલા પ્રાણીઓ પણ લઈ જાય છે. ઘર માલિકીનું ના હોય તો પણ ઓથોરિટી ઢોર લઈ જાય છે. તેમને ઘર માલિક સાથે શું લેવા દેવા? અમે અમારા કબ્જાના પશુઓ માટે અહી રજૂઆત કરીએ છીએ નહિ કે રખડતાં પશુઓ માટે. અમદાવાદમાં માલધારીઓ વર્ષોથી રહે છે.
પશુઓને રાખવા સરકાર અડધી કિંમતે જમીન ફાળવે
માલધારીઓએ ભેગાં મળીને પશુઓના વ્યવસ્થાપન માટે એક સમિતિ બનાવી છે. જે માલધારીઓમાં જાગરૂકતા લાવશે. અમારી કેટલાક સૂચનો અમદાવાદ મેયર અને મુખ્યમંત્રીને મોકલ્યા છે. જેમાં માલધારીઓએ પશુઓ માલિકીની જગ્યામાં રાખ્યા હોય તો તેમને હેરાન ના કરાય, ખુલ્લામાં રાખ્યા હોય તો પહેલાં તેમને નોટિસ આપવામાં આવે, શહેરની બહારથી ઘાસચારો લાવતા રોકવામાં આવે નહિ, બ્રીડીગ માટે પશુઓને લઈ જવાતા હોય તો રોકાય નહિ, બચ્ચા વાળા પશુઓને દંડ કરીને છોડી મુકાય, પશુઓ પકડવા આવતા ઓથોરિટી બાઉન્સર ના રાખે, અયોગ્ય શબ્દો વાપરે નહિ, પશુઓને ચીપ ગળામાં નહિ પણ કાનમાં લગાવે, દરેક વોર્ડમાં દંડ ભરવાની સવલતો ઊભી કરાય, પશુઓ માટે ઘાંસની વ્યવસ્થા કરવામાં આવે, તેમના માટે દવાખાના અને દૂધ ભરવા વેચાણ કેન્દ્ર ઊભા કરાય, પશુઓને રાખવા એક અલગ ઝોન બનાવી સરકાર અડધી કિંમતે જમીન ફાળવે.
આ કેસ અંગે 25 જુલાઈએ સુનાવણી રાખવામાં આવી હતી
માલધારી સમાજની ઉપરોક્ત રજૂઆતો સાંભળીને કોર્ટે કટાક્ષ કર્યો હતો કે માલધારીઓએ ઉપરોક્ત રજૂઆતોમાં એવી બાહેંધરી કેમ નથી આપી કે પશુ પકડવા આવતા ઓથોરિટીના કર્મચારીઓ ઉપર તેઓ હુમલો કરશે નહિ? તાજેતરમાં જ વડોદરામાં એક ખરાબ બનાવ બન્યો છે. AMC એ જણાવ્યું હતું કે તેના એક Dymc ઉપર હુમલો થતાં તેને બે અઠવાડિયા હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. વળી માલધારી સમાજના વકીલ 08 મહિના જૂની એફિડેવિટને આધારે પશુઓ મર્યા હોવાની વાતો કરી રહ્યા છે. પશુ વાડામાં પશુઓનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. માલધારી સમાજના વકીલ તે જોવા આવવા માંગતા હોય તો અમે તૈયાર છીએ.
Source link