નવરાત્રિના પાવન પર્વનો આજે રાજ્યભરમાં આરંભ થઈ ગયો છે. ક્લબ, પાર્ટી પ્લોટ અને શેરી ગરબા સહિતની વિવિધ જગ્યાઓ પર ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. આજે પ્રથમ નોરતાએ જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
Ahmedabad ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. સુરતમાં બાળકો સ્કેટિંગ કરીને ગરબાના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા, જ્યારે વડોદરાના વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને તિલક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાત પોલીસ મોડી રાત સુધી ગરબાને મંજૂરી આપશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાતની ધરતી પર મા અંબાની ભક્તિ કરનાર લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે ગુજરાત પોલીસના તમામ જિલ્લા અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે.” આ જાહેરાતથી ખેલૈયાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે.
વરસાદનું વિઘ્ન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી
નવરાત્રિની ઉજવણી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 22 થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.
મુખ્ય શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા
નવરાત્રિના પહેલા જ દિવસે મુખ્ય શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી. અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે અને વડોદરાના રાજમહેલ રોડ પર ગરબા ગ્રાઉન્ડમાં જતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
અમદાવાદમાં સર્વિસ રોડનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામ થયો હતો, જ્યારે વડોદરામાં એલવીપી અને વીએનએફ ગરબાને કારણે રસ્તાઓ પર ભીડ જોવા મળી. તેમ છતાં, ખેલૈયાઓ પરંપરાગત પોશાકોમાં સજીધજીને એસજી હાઈવે પર જતા જોવા મળ્યા, જે તેમના ઉત્સાહને દર્શાવે છે.
કલાકારો પોતાના ગીતોથી ખેલૈયાઓને ઝુમાવવા તૈયાર
કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કિંજલ દવે, ગીતાબેન રબારી સહિતના કલાકારો પોતાના પરંપરાગત ગરબા અને બોલિવૂડ ગીતોથી ખેલૈયાઓને ઝુમાવવા માટે તૈયાર છે.



Leave a Comment