- ધ કંધાર હાઈજેકના પાત્રોના નામ જાણી જોઈને બદલવામાં આવ્યા છે
- ‘ધ કંધાર હાઇજેક’ પર આતંકવાદીઓના નામ બદલવા પર પ્રતિબંધની માગ કરવામાં આવી છે
- અનુભવ સિન્હાએ સત્ય જણાવીને પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે
‘ધ કંધાર હાઈજેક’ પર શરૂ થયેલો વિવાદ અટકી રહ્યો નથી. દિલ્હી હાઈકોર્ટમાં આ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સુરજીત સિંહ યાદવની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી આ સિરીઝમાં આતંકવાદીઓને હિન્દુ નામ આપીને તેમની અસલી ઓળખ છુપાવવામાં આવી છે. આ પહેલા સોશિયલ મીડિયા પર આ સિરીઝને બોયકોટ કરવાની માગ ઉઠી હતી. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ આ સીરિઝનો વિરોધ કર્યો હતો.
ધ કંધાર હાઈજેક પર આધારિત વેબ સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર પહેલાથી જ જોરદાર ચર્ચા થઈ રહ્યો છે. પરંતુ સીરિઝના ડાયરેક્ટર અનુભવ સિન્હાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. તેને ચોક્કસપણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના દ્વારા સમગ્ર મામલાની વાસ્તવિકતા જાણી શકાય છે.
શું છે વિવાદ?
ધ કંધાર હાઈજેકમાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. તેમના નામ ઈબ્રાહિમ અતહર, શાહિદ અખ્તર સૈયદ, સની અહેમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા. નેટફ્લિક્સ સીરિઝમાં આ આતંકીઓના નામ ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર તરીકે દર્શાવવામાં આવ્યા છે. વેબ સિરીઝનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે પાકિસ્તાની આતંકવાદીઓને હિન્દુ નામ સાથે રાખવાથી ખોટો સંદેશ જાય છે અને લોકો વાસ્તવિકતા જાણી શકશે નહીં. તેમને લાગશે કે વિમાન ભારતીયોએ હાઇજેક કર્યું હતું.
શું છે હકીકત?
વેબ સિરીઝના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ વેબ સિરીઝ સંપૂર્ણ રિસર્ચ કર્યા બાદ બનાવવામાં આવી છે. વિમાનમાં આતંકીઓ એકબીજાને આ નામથી બોલાવતા હતા. વેબ સિરીઝના અંતમાં આતંકવાદીઓના સાચા નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી હતી. વર્ષ 2000માં ભારત સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં આતંકવાદીઓ એકબીજાને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકરના નામથી બોલાવતા હતા.