- નવ્યા નવેલી નંદા અમદાવાદમાં કરશે અભ્યાસ
- આઇઆઇએમ અમદાવાદમાં એડમિશન લીધુ હોવાની આપી માહિતી
- ફેકલ્ટી અને ફ્રેન્ડ સાથે શેર કર્યા ફોટો
આઇઆઇએમ અમદાવાદની પ્રતિષ્ઠિ શૈક્ષણિક સંસ્થાઓમાં ગણના થાય છે. આઇઆઇએમમાં ભણવુ એ દરેક વિદ્યાર્થીઓ માટે સપનુ હોય છે. ત્યારે આ સપનું અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનું પણ હતું. જો કે આ સપનું સાકાર થયુ હોવાની તેણે જ માહિતી આપી છે. નવ્યા નવેલી નંદાએ સોશિયલ મી઼ડિયા પર એક તસવીર શેર કરીને જણાવ્યું કે તે હવે બે વર્ષ અમદાવાદ આઇઆઇએમમાં અભ્યાસ કરવાની છે.
નવ્યાને IIMમાં એડમિશન મળ્યું
નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરીને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મેળવ્યુ હોવાની માહિતી આપી છે. તેણે આ સાથે કેટલાક ફોટો પણ શેર કર્યા છે. સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે સપના સાચા થાય છે. આ સાથે નવ્યાએ જણાવ્યું છે કે તે આઇઆઇએમ અમદાવાદમાંથી વર્ષ 2026 સુધી અભ્યાસ કરશે. વધુમાં લખ્યુ કે આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! સાથે જ તેણે કોર્સનું નામ પણ જણાવ્યું છે. તે ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ BPGP MBA કરી રહી છે.
નવ્યાએ ફેકલ્ટી, ફ્રેન્ડ્સ સાથે શેર કર્યા ફોટો
નવ્યાએ સોશિયલ મીડિયા પર એક નહીં પરંતુ ઘણી તસવીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસવીરમાં તે કોલેજના ગેટ પર ઉભી છે અને IIMના નામ સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય કેટલીક તસવીરોમાં તે પોતાની કોલેજની ઝલક આપતી જોવા મળે છે અને ઘણી તસવીરોમાં તે તેના નવા મિત્રો અને ફેકલ્ટી સાથે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો સામે આવતાની સાથે જ ચાહકોએ તેને શુભકામના પાઠવી રહ્યા છે.