- પાત્રતા ન ધરાવતા લાભાર્થી, ફંડની નબળી રિકવરી સહિતની ખામીઓ
- 11 લાખથી વધુ લાભાર્થીઓ પાત્ર નહોતા, 0.24% ફંડ જ રિકવર થયું : કેગ રિપોર્ટ
- આસામના 11 જિલ્લામાં ઓડિટ હાથ ધરાયું હતું
આસામમાં કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માનનિધિ (પીએમ-કિસાન)ના અમલીકરણમાં ઘણી ખામીઓ સામે આવી છે. આસામ વિધાનસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં રાજ્યમાં પીએમ-કિસાન યોજનાના 35 ટકા અરજદારો પાત્રતા જ ન ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
વળી, યોજના હેઠળ લાભ માટે પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને રિલીઝ કરાયેલા ફંડમાંથી માત્ર 0.24 ટકા ફંડ જ રિકવર થઇ શક્યું છે. યોજનાના ડિસેમ્બર, 2018થી માર્ચ, 2021 દરમિયાનના પરફોર્મન્સ ઓડિટ દ્વારા સામે આવ્યું કે આસામની 41,87,023 અરજીઓ પૈકી 10,66,593 (25 ટકા) અરજીઓ પીએમ-કિસાન પોર્ટલ અને પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ફગાવાઇ હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે 2020માં મે-જુલાઇ દરમિયાન રાજ્યભરમાં તપાસ બાદ જાહેર કર્યું હતું કે 31,20,430 લાભાર્થીઓ પૈકી 11,72,685 (37 ટકા) લાભાર્થીઓ પાત્રતા ધરાવતા નહોતા. આવા લાભાર્થીઓને રિલીઝ કરાયેલા ફંડ પૈકી ઓક્ટોબર, 2021 સુધીમાં 0.24 ટકા ફંડ જ રિકવર થઇ શક્યું હતું અને તે પણ કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલયને તો પરત નહોતું જ મળ્યું.
આસામના 11 જિલ્લામાં ઓડિટ હાથ ધરાયું હતું
આસામના 11 જિલ્લામાં ઓડિટ હાથ ધરાયું હતું, જેમાં યોજનાના અમલ માટેની માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ ન થયો હોવાનું અને મોનિટરિંગનો અભાવ હોવાનું માલૂમ પડયું હતું. રાજ્ય સરકારે જમીન ધરાવતા ખેડૂત પરિવારોનો ડેટાબેઝ પણ રાખ્યો નહોતો. યોજનાની જોગવાઇઓ મુજબ લાભાર્થીની પાત્રતા સુનિશ્ચિત કરવાને બદલે ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓનો ડેટા અપલોડ કરવા પર ધ્યાન અપાયું હતું.
Source link