BUSINESS

Business: 2024માં ઓટો કંપનીઓએ 7 લાખથી વધુ ખામીયુક્ત વાહનો પરત ખેંચ્યાં

  • ઓગસ્ટ મહિનામાં જ આંકડો છેલ્લા બે વર્ષની સરખામણીને વટાવી ગયો
  • પરત ખેંચાયેલાં કુલ વાહનો પૈકી 96% ટુ-વ્હીલર સેગમેન્ટના
  • ઓટો ઈન્ડસ્ટ્રીમાં દ્વિચક્રી વાહનોનો દબદબો છે. જે ઘરેલૂં બજારમાં 81 ટકા હિસ્સો ધરાવે છે.

ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં જ વાહન ઉત્પાદકો દ્વારા પરત ખેંચાયેલા વાહનોની સંખ્યા ગત બે વર્ષોની સરખામણીના આંકડાને પહેલાથી જ વટાવી ગઈ છે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ દ્વારા જારી કરવામાં આવેલા આંકાડ અનુસાર, વર્ષ 2024માં ઓટો ઈન્ડસ્ટ્રી દ્વારા જે વાહનો પરત ખેંચવામાં આવ્યા છે, તે કુલ 7,20,000 પૈકી 96 ટકા દ્વિચક્રી વાહનો છે. આ આંકડો એટલા માટે નોંધપાત્ર છે, કેમ કે, ઓટો ઈન્ડસ્ટ્રીમાં દ્વિચક્રી વાહનોનો દબદબો છે. જે ઘરેલૂં બજારમાં 81 ટકા હિસ્સો ધરાવે છે. 2022 અને 2023માં અનુક્રમે કુલ 2,88,765 અને 2,85,000 વાહનો પરત ખેંચવામાં આવ્યા હતા. વાહનો પરત ખેંચવાનો આંકડો એટલા માટે ઊંચકાયો છે, કેમ કે, સરકાર દ્વારા વર્ષ 2021માં વ્હીકલ રિકોલ પોલિસી લાગુ કરવામાં આવી હતી.

સુઝુકી મોટરસાયકલ ભારત ટુ-વ્હીલર વાહન મામલે દેશમાં પાંચમાં ક્રમે આવે છે. આ ઉત્પાદક દ્વારા બજારમાંથી 3,88,500 વાહનો પરત ખેંચવામાં આવ્યા છે. જે વાહનો પરત ખેંચવાની યાદીમાં ટોચ પર છે. જાપાની ઓટો બ્રાન્ડ દ્વારા ઉત્પાદનમાં ખામી રહી જતાં તેમાં સુધારા કરવા માટે એક્સેસ 125, એવેનિસ 125, બર્ગમેન 125 મોડલ અંગે ગ્રાહકોને સૂચના જારી કરી સર્વિસ સેન્ટર પર પરત કરવા જણાવ્યું છે. આ વાહનો જ્યારે ડ્રાઈવ કરવામાં આવે છે ત્યારે એન્જિનમાં કંપનને કારણે વારેઘડીએ એક બાજુ ઝૂકી જવાથી હાઈ ટેન્શન કોર્ડમાં ક્રેક પડે છે અને તૂટી પડે છે. આ ખામીને કારણે એન્જિન બંધ પડી જાય છે, જેથી સુઝુકીના આ મોડલ નિષ્ફળ નિવડી રહ્યાં છે, એવી સ્પષ્ટતા કંપની દ્વારા કરવામાં આવી હતી. જૂલાઈ સુધીના સાત મહિનામાં ભારતમાં આ કંપની દ્વારા જેટલા વાહનો વેચવામાં આવ્યા છે તેના કરતાં વધુ વાહનો બજારમાંથી પરત ખેંચી લેવામાં આવ્યા છે.

આ યાદીમાં અન્ય નામ પણ જાપાની ઓટો બ્રાન્ડનું જ છે. યામાહા બ્રાન્ડ દ્વારા પોતાના ત્રણ લાખથી વધુ ટુ-વ્હીલર વાહનો પરત ખેંચી લેવામાં આવ્યા છે. જેમાં રેય ઝેડઆર એફઆઈ 125 અને ફસકીનો સીઆઈ 125નો સમાવેશ થાય છે. જેનું ઉત્પાદન ભારત ખાતે જ કરવામાં આવ્યું હતું. સુઝુકી મોટરસાયકલ ભારતની જેમ જ યામાહા દ્વારા પણ ચાલુ વર્ષે જાન્યુઆરીથી જૂલાઈ સુધીમાં જેટલા વાહનો વેચવામાં આવ્યા છે તેનાથી વધુ વાહનો બજારમાંથી પરત ખેંચી લેવામાં આવ્યા છે.

ટુ-વ્હીલર બાદ પેસેન્જર વ્હીકલ (પીવી) સેગમેન્ટમાં વાત કરવામાં આવે તો લક્ઝરી કાર મેકર મર્સિડિઝ-બેન્ઝનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ કાર મેકર પણ બજારમાંથી પોતાનું ઉત્પાદન પરત ખેંચવામાં સંબંધિત યાદીમાં આગળ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કંપની દ્વારા 15 હજાર વાહનો પરત ખેંચવામાં આવ્યા છે. જેમાં સમગ્ર 38 મોડલ્સનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે મે મહિનામાં મર્સિડિઝ-બેન્ઝએ ચેતવણી જારી કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જીએલઈ 450, ઈક્યુએસ, જીએલસી, એએમજીએસએલ, એએમજીજીએલએ, એસ-ક્લાસ, ઈ-ક્લાસ અને ઈક્યૂબી સહિતના મોડલ્સમાં જો સર્વિસ કરવામાં ન આવી હોય તો પ્રોપ્યુલ્સનનું અચાનક નુકસાન, ટ્રેક્શનના નુકસાન સાથે અચાનક આગ લાગવાનું જોખમ પણ રહેલું છે.

મારૂતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર ભારતમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં સંયુક્ત રીતે 55 ટકા હિસ્સો ધરાવે છે. જેમના દ્વારા પણ 12,000 કાર અને સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ્સ પરત ખેંચવામાં આવ્યા છે. હ્યુન્ડાઈ દ્વારા આઈઓનિક ફાઈવ, ક્રેટા અને વર્ના મોડલમાં 9,500 ગાડીઓ પરત ખેંચવામા આવી છે. જ્યારે મારૂતિ સુઝુકી દ્વારા અલ્ટો કે10 મોડલમાં 2,555 કાર પરત ખેંચવામાં આવી છે.

વિવિધ ઓટો કંપનીઓ દ્વારા પરત ખેંચાયેલા ખામીયુક્ત વાહનોની સંખ્યા

સુઝુકી મોટરસાયકલ ભારત દ્વારા ટુ-વ્હીલર સેગમેન્ટમાં એક્સેસ 125, એવેનિસ 125, બર્ગમેન 125 મોડલના કુલ 3,88,478 વાહનો પરત ખેંચવામાં આવ્યા છે

ઈન્ડિયા યામાહા મોટર્સ દ્વારા રેય ઝેડઆર એફઆઈ 125 અને ફસકીનો સીઆઈ 125 મોડલના કુલ 3,00,725 વાહનો પરત ખેંચવામાં આવ્યા છે

હ્યુન્ડાઈ દ્વારા આઈઓનિક ફાઈવ, ક્રેટા અને વર્ના મોડલમાં 9,442 ગાડીઓ પરત ખેંચવામા આવી છે

ટોયેટા ક્રિલોસ્કર દ્વારા લેન્ડ ક્રુઝર, ગ્લાન્ઝા, લેક્સસ આરએક્સ, લેક્સસ એનએક્સ મોડલના કુલ 2,735 વાહનો પરત ખેંચવામાં આવ્યા છે

મર્સિડિઝ-બેન્ઝ દ્વારા જીએલઈ 450, ઈક્યુએસ, જીએલસી, એએમજીએસએલ, એએમજીજીએલએ, એસ-ક્લાસ, ઈ-ક્લાસ અને ઈક્યૂબી મોડલ્સમાં15,167 વાહનો પરત ખેંચવામાં આવ્યા છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button