ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસતા કમોસમી વરસાદે ભારે કહેર વરસાવ્યો છે. ખાસ કરીને મહુવા અને તળાજા તાલુકામાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ખેડૂતો શિયાળુ પાકની વાવણી માટે ખેતરો તૈયાર કરતા હોય છે, પરંતુ અણધાર્યા વરસાદે સમગ્ર ખેતી વ્યવસ્થા ખોરવી નાખી છે.
- ચોથા દિવસે પણ ગોઠણ સમા પાણી ભરાયા
તળાજા તાલુકાના પાણીયાણી ગામમાં ખેતરોમાં ચોથા દિવસે પણ ગોઠણ સમા પાણી ભરાયેલા છે, જેના કારણે જમીન સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે. ખેડૂતો જણાવે છે કે, પાણીના કારણે પાક તો બગડ્યો જ છે, પરંતુ હવે શિયાળુ પાક વાવવાની શક્યતા પણ ધૂંધળી થઈ ગઈ છે.
ખેડૂતોના કહેવા મુજબ કપાસ, મગફળી, ચણા અને પશુચારા જેવા પાકો પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. ઘણા ખેડૂતોના ખેતરમાં ઉભા પાક સાથે જ સ્ટોર કરેલી મગફળી અને ચારો પણ પાણીમાં તણાઈ ગયા છે.
- નુકસાન કરોડોમાં પહોંચી શકે
ગામના માજી સરપંચે જણાવ્યું કે, “એક વિઘે આશરે 30,000થી 35,000 રૂપિયાનું નુકસાન થયું છે. કુકડ સર્વે નંબર વિસ્તારની અંદર આવેલી લગભગ 2,000 વિઘા જમીનમાં કુલ 60થી 70 લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. આ આંકડો માત્ર એક ગામનો છે. આખા તાલુકા અને જિલ્લાના સ્તરે જોવામાં આવે તો નુકસાન કરોડોમાં પહોંચી શકે છે.”


Leave a Comment