દેશમાં ફરી એક વખત સાયબર ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના બોરીવલી ઈસ્ટમાં રહેતી અને ફાર્મા કંપનીમાં કામ કરતી 26 વર્ષીય મહિલાને સાયબર ગુનેગારોએ વીડિયો કોલ પર તેના કપડાં ઉતારવા દબાણ કર્યું અને પછી તેની સાથે રૂપિયા 1.78 લાખની છેતરપિંડી કરી છે.
મની લોન્ડરિંગ કેસમાં નામ સામેલ હોવાનું કહી આચરી ઠગાઈ
આ ઠગ દિલ્હી પોલીસ ઓફિસર બનીને મહિલા સાથે જોડાયો હતો અને તેણે મહિલાને કહ્યું કે તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે, જે નરેશ ગોયલ સાથે સંબંધિત છે. ગુંડાઓએ ધમકી આપી હતી કે તેણે તાત્કાલિક તપાસમાં સહકાર આપવો પડશે નહીં તો તેની ધરપકડ કરી લેવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો?
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આ ઘટના 19થી 20 નવેમ્બર 2024ની વચ્ચે બની હતી. ગુંડાઓએ ઘણા અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી ફોન કરીને તેને ધમકાવીને હોટલનો રૂમ બુક કરાવવા માટે કહ્યું હતું. ત્યાં તેણે મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરી અને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશનના નામે રૂપિયા 1.78 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આટલું જ નહીં, તેણે ‘બોડી વેરિફિકેશન’ના બહાને મહિલાને તેના કપડા ઉતારવા દબાણ કર્યું. આ સમગ્ર ઘટનાથી મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અલગ અલગ કલમો હેઠળ નોંધાઈ ફરિયાદ
આ અંગે મહિલાએ દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ ફરિયાદ અંધેરી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 319(2), 318(4), 204, 74, 78, 79, 351(2) અને IT એક્ટની કલમ 66(a) અને 65(d) હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ અજાણ્યા ગુનેગારોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. આ કિસ્સો ફરી એક વખત સવાલ ઉભો કરે છે કે સાયબર ગુનેગારો લોકોને ડરાવીને અને મૂંઝવણમાં મૂકીને કેવી રીતે છેતરપિંડી આચરી રહ્યા છે.
સાયબર ક્રાઈમથી બચવા કરો આ કામ
સાયબર ક્રાઈમથી બચવા માટે કોઈ અજાણ્યા કોલ કે મેસેજ પર વિશ્વાસ ન કરો. જો કોઈ પોલીસ અથવા અધિકારી હોવાનો ઢોંગ કરે અને પૈસા માગે તો તરત જ પોલીસને આ અંગે જાણ કરો.
Source link