
રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, કારણ કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 3જી ટી20 મેચ રાજકોટ શહેરમાં રમાવવાની છે. જેને લઈને આજે ભારતીય ટીમ રાજકોટ પહોંચી છે અને કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ ઉમટી પડી છે.
ભારતીય ટીમને ડીનરમાં કાઠીયાવાડી ભોજન પીરસાશે
જણાવી દઈએ કે આવતીકાલે બંને ભારત અને ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરવા આવશે અને 28મી જાન્યુઆરીએ સાંજે 07:00 વાગ્યે બંને ટીમ વચ્ચે મેચ રમાશે. ભારતીય ટીમને રાત્રિના ડિનરમાં ગુજરાતી તેમજ કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે. ભારતીય ટીમને બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક, દહીં તીખારી, ખીચડી કઢી જેવા ભોજન પીરસવામાં આવશે તો બીજા દિવસ સવારે નાસ્તામાં ફાફડા, જલેબી, દહીં, પરોઠા સહિતના વ્યંજનો પિરસવામાં આવશે.
રાજકોટમાં રમાશે ત્રીજી T20 મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની બંને શરૂઆતની મેચ જીતી લીધી છે. આ સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
ભારતીય ટીમના આ ખેલાડીઓ છે ઈજાગ્રસ્ત
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી ઘાયલ થયો છે. રિંકુ સિંહ પણ ત્રીજી મેચ માટે હાજર રહેશે નહીં. તેના સ્થાને શિવમ દુબે અને રમનદીપ સિંહને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ધ્રુવ જુરેલ બીજી ટી20 મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રમણદીપ અથવા દુબેમાંથી કોઈ એકને ટીમમાં સામેલ કરી શકે છે.
Source link