નવી દિલ્હી | રેલવે સમાચાર : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. હવે ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ મુસાફરીના માત્ર 4 કલાક પહેલા નહીં, પરંતુ 10 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી મુસાફરોને પોતાની ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની જાણ સમયસર મળી રહેશે.
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારે 5.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા વચ્ચે રવાના થતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ અગાઉના દિવસની રાત્રે 8.00 વાગ્યા સુધી તૈયાર કરવામાં આવશે. જ્યારે બપોરે 2.01 વાગ્યાથી રાતે 11.59 વાગ્યા સુધી તથા રાત્રે 12.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી રવાના થતી ટ્રેનો માટે ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલા તૈયાર થશે.
અગાઉ ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર થતો હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મેશન અંગે અનિશ્ચિતતા રહેતી હતી. ખાસ કરીને દૂરથી આવનારા મુસાફરો માટે આ સ્થિતિ તણાવજનક બની જતી હતી.
રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ બદલાવનો મુખ્ય હેતુ મુસાફરોને તેમની મુસાફરી અંગે વહેલી અને સ્પષ્ટ માહિતી આપવાનો છે, જેથી તેઓ પોતાની યાત્રાની યોજના સરળતાથી બનાવી શકે. આ અંગે તમામ ઝોનલ રેલવે ડિવિઝનોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ નવા નિયમથી ટ્રેન મુસાફરી વધુ સુગમ બનશે અને મુસાફરોને અનાવશ્યક ગેરસમજ તથા મુશ્કેલીઓમાંથી રાહત મળશે.


Leave a Comment