ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ ડિસ્કવરીને લઈને મોટો ફેરફાર જાહેર કર્યો છે. મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે રીલ અથવા પોસ્ટ સાથે જોડાઈ શકતા હેશટેગ્સની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. નવા નિયમ મુજબ, હવે યુઝર્સ અને ક્રિએટર્સ એક પોસ્ટ અથવા રીલમાં વધુમાં વધુ પાંચ હેશટેગ્સ જ વાપરી શકશે.
ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે ઓછા પરંતુ ટારગેટેડ હેશટેગ્સનો ઉપયોગ કરવાથી કન્ટેન્ટનું પ્રદર્શન અને ડિસ્કવરી બંનેમાં સુધારો થાય છે. સામાન્ય અને વધુ સંખ્યામાં હેશટેગ્સ વાપરવાથી પોસ્ટ્સ સ્પામ જેવી લાગે છે અને અલ્ગોરિધમ પર તેની નકારાત્મક અસર પડી શકે છે. આ પગલું હેશટેગ ફીચરના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યું છે.
- 30 હેશટેગ્સની સુવિધાનો અંત
2011થી ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હેશટેગ્સ ફીચર અત્યાર સુધી કન્ટેન્ટને ટોપિક-બેઝ્ડ સર્ચ, ટ્રેન્ડિંગ લિસ્ટ અને એક્સપ્લોર ફીડમાં પહોંચાડવામાં મદદરૂપ માનવામાં આવતું હતું. અગાઉ એક પોસ્ટમાં 30 હેશટેગ્સ ઉમેરવાની છૂટ હતી, પરંતુ હવે આ સુવિધા સમાપ્ત કરી દેવામાં આવી છે.
- કંપનીનો હેતુ શું છે?
ઇન્સ્ટાગ્રામે સ્પષ્ટ કર્યું છે કે ક્રિએટર્સે પોતાના કન્ટેન્ટ સાથે સંબંધિત હેશટેગ્સનો જ વિચારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, બ્યુટી કન્ટેન્ટ બનાવનારા ક્રિએટર્સે સૌંદર્ય સંબંધિત હેશટેગ્સ વાપરવા જોઈએ, જેથી યોગ્ય ઓડિયન્સ સુધી પહોંચ શકાય. જ્યારે #reels અથવા #explore જેવા સામાન્ય હેશટેગ્સ કન્ટેન્ટની પહોંચ વધારવામાં ખાસ મદદરૂપ સાબિત થતા નથી, અને કેટલાક કિસ્સાઓમાં તે પ્રદર્શનને નુકસાન પણ પહોંચાડી શકે છે.
- ‘હેશટેગ્સ હવે મુખ્ય ફેક્ટર નથી’
આ નિર્ણય તે અહેવાલો બાદ આવ્યો છે જેમાં જણાવાયું હતું કે ઇન્સ્ટાગ્રામ ત્રણ હેશટેગ્સની મર્યાદાનું પરીક્ષણ કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી અગાઉ પણ કહી ચૂક્યા છે કે હેશટેગ્સ હવે રીચ અને વિઝિબિલિટી માટે મુખ્ય પરિબળ નથી. અલ્ગોરિધમ હવે કન્ટેન્ટની ગુણવત્તા અને યુઝર એન્ગેજમેન્ટને વધુ મહત્વ આપે છે.
આ નવા નિયમથી ક્રિએટર્સને હવે વધુ સ્ટ્રેટેજિક રીતે કન્ટેન્ટ અને હેશટેગ્સ પસંદ કરવા પડશે.


Leave a Comment