જૂનાગઢમાં બે દિવસથી વરસાદે તબાહી મચાવી છે અને જૂનાગઢના માનના છોડ વિસ્તારમાં 300થી વધુ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી જતા વેપારીઓની દુકાનમાં લાખો રૂપિયાના માલને નુકસાન પહોંચ્યું છે.
300થી વધુ અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ગટરના પાણી ઘૂસ્યા
જૂનાગઢના માંગનાથ રોડ ઉપર છેલ્લા 15 દિવસથી ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને વેપારીઓ દ્વારા અવારનવાર આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા વિકાસ કાર્યને લઈને ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે માંગનાથ રોડ ઉપર આવેલી 300થી વધુ અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા, સાથે સાથે વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓની દુકાનમાં રહેલો લાખો રૂપિયાના માલને નુકસાન થયું હતું.
તાત્કાલિક પાણી નિકાલ માટે મોટર મૂકવાની સૂચના આપવામાં આવી
ગઈકાલે ભારે વરસાદ પડતાની સાથે જ વેપારીઓ દ્વારા ધારાસભ્ય સંજય કોરડીયાને સ્થળ ઉપર મુલાકાત લેવાનું જણાવ્યું હતું. જેને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને માંગનાથ રોડની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમને વેપારીઓ દ્વારા થયેલી નુકસાની અને ગટરના કામને લઈને ગટરના પાણી દુકાનોમાં ઘૂસી જતાની રજૂઆત કરી હતી અને ધારાસભ્ય દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલ માટે મોટર મૂકવાની સૂચના આપવામાં આવી હતી.
નવી ગટર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું
શહેરના ત્રણ વિસ્તારમાં નવાબીકાળની ગટર આવેલી હતી, આ વિસ્તારના વિકાસ માટે નવી ગટર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, સાથે સાથે વેપારીઓની પણ અવારનવાર રજૂઆતોને લઈને તેમજ ધારાસભ્ય દ્વારા અપાયેલી સૂચના લઈને મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર દ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને અગાઉના વર્ષોમાં આવી કોઈ ફરિયાદ આ વિસ્તારમાં જોવા મળતી ન હતી, પરંતુ રોડ પર જે કામ ચાલી રહ્યું છે, તેને કારણે ગટર બંધ થઈ હશે અને જેનું નિવારણ માટેની સૂચના આપી દેવામાં આવી છે, તાત્કાલિક ઘટતું કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.
આમ, જુનાગઢ શહેરમાં બે દિવસમાં મેઘરાજાએ કહેર વરસાવતા વેપારીઓને સહન કરવાનો વારો આવ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન કાપડ બજારમાં થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
Source link