રાજ્યમાં PMJAYનું કૌભાંડ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર બની છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધી 2700 જેટલી એન્જિયોગ્રાફી અને 1100 એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
ભાગ્યોદય હોસ્પિટલે રૂપિયા 6 કરોડથી વધુની કરી કમાણી
ત્યારે PMJAY હેઠળ કડીની ભાગ્યોદય હોસ્પિટલે રૂપિયા 6 કરોડથી વધુની કમાણી પણ કરી લીધી છે. હોસ્પિટલ વિરૂદ્ધ અનેક વખત લેખિતમાં ફરીયાદો પણ કરવામાં આવી છે, છતાં રાજકીય વગને લીધે આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પગલા ભર્યા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ આઉટ સોર્સિંગથી કરવામાં આવે છે.
મહેસાણા આરોગ્ય વિભાગના અધિકારી રજા પર ઉતરી ગયા
મહત્વની વાત એ છે કે ભાગ્યોદય હોસ્પિટલે મેડિકલ કોન્ટ્રાક્ટ અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલને કેટલેબ ડોક્ટરોને હવાલે આપ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે બોરીસણા સહિત અન્ય 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા હતા અને ખ્યાતિ હોસ્પિટલમાં મોતના સમગ્ર મામલાનો રેલો હવે મહેસાણા આરોગ્ય વિભાગ સુધી પહોંચતા આરોગ્ય અધિકારી પણ રજા પર ઉતરી ગયા છે. ત્યારે ભાગ્યોદય હોસ્પિટલના મેનેજર કૃપા પટેલનું નામ અગાઉના અનેક કૌભાંડમા હોવાની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો કેબિનેટ બેઠકમાં ગુંજયો
તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજ્ય સરકારની યોજાયેલી કેબિનેટની બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ચર્ચા કરવામાં આવી છે. PMJY હેઠળ આવતી હોસ્પિટલ બરાબર કામગીરી કરે છે કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. સાથે સાથે PMJAY યોજના માટે હોસ્પિટલની કડક SOP બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યની કોઈ હોસ્પિટલમાં હવે ખોટી સારવાર ના થાય તેવી કાર્યવાહી અને SOP માટે સૂચના મુખ્યપ્રધાન તરફથી આપવામાં આવી છે.
Source link