હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શ્રી રેણુકાજી વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધંદુરી પંચાયતના તેલંગાણા ગામમાં મધ્યરાત્રે લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના છ સભ્યો જીવતા ભૂંજાઈ ગયા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોહન લાલના ઘરમાં રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આગ ઝડપથી ફેલાઈ રસોડા સુધી પહોંચતા ત્યાં રાખેલા LPG ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું અને આગે આખા મકાનને ઘેરી લીધું હતું.
આ ભયાનક અગ્નિકાંડમાં કવિતા દેવી, 9 વર્ષની સારિકા, 3 વર્ષની કૃતિકા, 44 વર્ષની તૃપ્તા દેવી, નરેશ કુમાર સહિત પરિવારના કુલ 6 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. તમામ સભ્યો ઊંઘમાં હોવાથી તેમને બહાર નીકળવાની કોઈ તક મળી નહોતી. આગમાં ઘરમાં બાંધેલા કેટલાક પાલતુ પ્રાણીઓ પણ હોમાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એક વ્યક્તિને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે અને તેમને તાત્કાલિક રાજગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ ડૉ. રાજીવ બિંદલ, વિપક્ષના નેતા જયરામ ઠાકુર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ડૉ. બિંદલે કહ્યું કે, એક જ પરિવારના છ સભ્યોનું અકાળે અવસાન સમગ્ર રાજ્ય માટે અતિશય આઘાતજનક છે.
ઘટનાની જાણ થતાં જ SDM સંગદાહ સુનિલ કુમાર, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને આગના ચોક્કસ કારણો જાણવા FSL તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત પરિવારને વળતર અને પુનર્વસન સહાય આપવાની માંગ પણ ઉઠી છે.


Leave a Comment