સમાજમાં પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, પરંતુ બદલાતા સમય સાથે યુવાનોની વિચારસરણીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શિક્ષિત અને આધુનિક યુવાનો હવે પોતાના જીવનના મહત્વના નિર્ણયો સ્વતંત્રપણે લેવા માંગે છે, જેના કારણે પરંપરાગત સમાજ અને નવી પેઢી વચ્ચે અથડામણ સર્જાતી જોવા મળે છે.
આવો જ એક વિવાદ ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેને લઈને સામે આવ્યો છે. કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવાની પસંદગી કરી સગાઈ કરી છે. જોકે, આ નિર્ણય તેમના સમાજમાં અસંતોષનું કારણ બન્યો છે.
કિંજલ દવે ઔદિચ્ય બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા પરિવારથી આવે છે. તેમની સગાઈ એક એવા બિઝનેસમેન સાથે થઈ છે, જે બ્રહ્મ સમાજના નથી. આ મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આંતરજ્ઞાતિય લગ્ન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, કિંજલ દવેના પિતા સહિત સમગ્ર પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવામાં આવ્યા છે. સાથે જ, સમાજના કોઈ પણ ધાર્મિક, સામાજિક કે લગ્ન પ્રસંગોમાં તેમને આમંત્રિત ન કરવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ સભ્ય તેમને સહકાર આપે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ ઘટનાએ સમગ્ર સમાજમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. એક તરફ પરંપરાગત નિયમો અને સંસ્કૃતિ જાળવવાની દલીલ છે, તો બીજી તરફ વ્યક્તિગત સ્વતંત્રતા અને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ એટલો જ મહત્વનો હોવાનું માનવામાં આવે છે. આ વિવાદે ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે પરંપરા અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું?


Leave a Comment