સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટમાં વિરાટ કોહલી ફરીવાર નિષ્ફળ રહ્યો છે તે 69 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો છે. આ ઇનિંગમાં તે એકપણ બાઉન્ડ્રી ફટકારી શક્યો નથી. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં (3 જાન્યુઆરી 2024થી આજ સુધી) તે માત્ર બે વાર જ 50 કરતા વધારે રનનો સ્કોર બનાવી શક્યો છે.
પર્થ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે સતત ફ્લોપ થયો છે. વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ આઠ ઇનિંગમાં બેટિંગ કરી છે અને સાત વાર આઉટ થયો છે. સાતેય વાર તે વિકેટની પાછળ કેચ આઉટ થયો છે. વિરાટે આ સિરીઝની આઠ ઇનિંગમાં હજુ સુધીમાં કુલ 184 રન જ કર્યા છે. આ આઠ ઇનિંગમાં તે સાત વાર આઉટ થયો છે અને સાતેય વાર તે ટેવવશ ઝડપી બોલર્સના ઓફ સ્ટમ્પ બહાર જતા બોલને મારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો છે. હજુ સુધીમાં ટેસ્ટમાં વિરાટે બોલેન્ડનો સામનો છ ઇનિંગમાં કર્યો છે જેમાં તેણે 98 બોલ રમીને 32 રન કર્યા છે. બોલેન્ડે ચાર વાર વિરાટની વિકેટ લીધી છે જેમાં ચારેય વાર તે સ્લિપમાં કે વિકેટકીપરના હાથે કેચઆઉટ થયો છે.છેલ્લા એક વર્ષમાં વિરાટે બે વાર જ પચાસ કરતા વધારે રનનો સ્કોર કર્યો છે. તેમાં ન્યૂઝીલેન્ડ સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી 70 રનની ઇનિંગ અને પર્થમાં રમેલી 100 રનની ઇનિંગ સામેલ છે. વિરાટે 2024માં 10 ટેસ્ટની 19 ઇનિંગમાં 24.52ની સરેરાશ સાથે 417 રન કર્યા છે, જેમાં એક સદી અને એક અર્ધસદી સામેલ છે. કોહલીએ સિડની ટેસ્ટમાં 69 બોલ રમ્યા હતા પરંતુ તે એક પણ બાઉન્ડ્રી મારી શક્યો નહોતો. વિરાટની ટેસ્ટ કેરિયરમાં આ તેની કોઈપણ બાઉન્ડ્રી વિનાની સૌથી લાંબી ઇનિંગ છે.
Source link