કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. જે બાદ હાઈકોર્ટે CBIને તપાસ સોંપી હતી. હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. જે એક દસ્તાવેજ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દસ્તાવેજ બતાવે છે કે તેના એક દિવસ પછી જ પૂર્વ પ્રિન્સિપાલે જાહેર બાંધકામ વિભાગ (PWD) પાસે સમારકામની માગ કરી હતી. સ્થળની આસપાસના રૂમો વગેરેમાં સમારકામ કરવાનું હતું. જ્યાં મહિલા તબીબ પર નિર્દયતા થઈ હતી.
સંદીપ ધોષ કરાવવા માંગતો હતો સમારકામ
સંદીપ ઘોષ તેની બાજુમાં આવેલ રૂમને તોડી પાડવા માંગતો હતો. ઉલ્લેખનીય છેકે, આ રૂમની નજીક એક સેમિનાર હોલ છે. જ્યાં સંજય રોયે પીડિતા પર અત્યાચાર ગુજાર્યો હતો. 9 ઓગસ્ટની સવારે અહીંથી મૃતદેહ મળી આવ્યો હતો.
તપાસ અધિકારીઓને દસ્તાવેજ મળી આવ્યો
સુત્રોના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલ શૌચાલયનું સમારકામ કરવા પણ માંગ કરવામાં આવી હતી. તપાસ અધિકારીઓને દસ્તાવેજ પરથી જાણવા મળ્યું કે, સંબંધિત વિભાગને પરવાનગી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. બંગાળ BJPના અધ્યક્ષ સુકાંત મજુમદારે પણ સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કરીને આ મામલે સવાલો ઉઠાવ્યા છે. આ પત્ર પર સંદીપ ઘોષના હસ્તાક્ષર છે, જે 10મી ઓગસ્ટના છે.
બંગાળ BJPના અધ્યક્ષે સવાલો ઉઠાવ્યા
મજમુદારે લખ્યું છે કે, આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ નિર્દેશક સંદીપ ઘોષના હસ્તાક્ષરવાળો આ આદેશ 10 ઓગસ્ટે જારી કરવામાં આવ્યો હતો. જે પીડિતા સાથે થયેલી નિર્દયતાના એક દિવસ બાદ જ છે. ક્રાઈમ સીન સાથે ચેડાં કરવાના આરોપો હોવા છતાં પોલીસ કમિશનરે તેને નકારા કાઢ્યા હતાં.
સમારકામને લઈ કેમ કરાઈ ઉતાવળ?
જાણવા મળી રહ્યું છે કે ઘોષના નિર્દેશ પર એક અધિકારીએ સમારકામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. હવે સવાલ એ છે કે આટલી મોટી ઘટના પછી ઘોષ અહીં ઝડપથી સમારકામ કરાવવા માટે કેમ આતુર હતા? 13 ઓગસ્ટના રોજ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે CBIને તપાસ કરવા આદેશ આપ્યો હતો. વિભાગ દ્વારા બનાવ સ્થળ નજીક રીપેરીંગની કામગીરી શરૂ કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકોના વિરોધને કારણે કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હતું. મહિલા ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ સવારે મળી આવ્યો હતો. CBI દુષ્કર્મ અને હત્યા ઉપરાંત હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની પણ તપાસ કરી રહી છે.