ચોખાની આડમાં રેડીમેડ કપડા ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. કચ્છના સામખીયાળી નજીકથી બાતમીના આધારે ટ્રેલર સાથે 2 આરોપીને સાયબર ક્રાઈમ બોર્ડર રેન્જ પોલીસે ઝડપી પાડ્યા છે.
કપડાના કુલ 80 બોરા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા
કચ્છમાં ચોખાના જથ્થાની આડમાં અલગ અલગ કંપનીના રેડીમેડ કપડાના જથ્થા સાથે બે આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા છે. જીન્સ, સ્વેટરના ખોટા બીલ બનાવી, ટેક્ષ ચોરી કરી, બીલનો ખરા તરીકે ઉપયોગ કરી હરિયાણાથી ગાંધીધામ ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા. 2 લાખ રૂપિયાના 2000 કિલો કપડાના કુલ 80 બોરા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. હરીયાણા રાજ્યના પાણીપત ઝોન ખાતેથી આ માલ ટ્રેલરમાં ભરી ગાંધીધામ પહોંચાડવાના ષડયંત્રને પકડી પાડવામાં આવ્યું છે.
બાતમીના આધારે પોલીસે ઝડપી લીધા
સાયબર ક્રાઈમ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રેલર રજીસ્ટર નંબર જીજે-39-ટી-3059 પાણીપત હરીયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડા ભરેલા બોરા લઈને ગાંધીધામ-કંડલા બાજુ જઈ રહ્યા છે. જે બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમે ટોલનાકાથી ગાંધીધામ બાજુ જતા હાઈવે પર તપાસ કરતા પ્રેમલ હોટલ પર બાતમી મુજબનું ટ્રેલર મળી આવ્યું હતું.
આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી
ટ્રેલરના રાજસ્થાનના 28 વર્ષીય ડ્રાઈવર સાવરલાલ કાનારામજી ગુર્જરને સાથે રાખી ટ્રેલરમાં તપાસ કરતા તેમાં ચોખાના કટા ભરેલા હતા, જે ચોખાના એક કટાનું વજન 40 કિલો જેટલું હતું અને કુલ ચોખાના 1000 કટા ભરેલ હતા. જેના બીલ ડ્રાઈવરે રજુ કર્યા હતા. તેમજ વધુ તપાસ કરતા આ ચોખાના કટાની આડમાં બાતમી મુજબના કપડાના 80 બોરા જેનું કુલ વજન આશરે 2000 કિલો મળી આવ્યું છે. પોલીસે 2 લાખની કિંમતના કુલ 2000 કિલોના કપડાના 80 બોરા તથા 20 લાખનું ટ્રેલર મળીને કુલ 22 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Source link