- શહેરના નીચાણના વિસ્તારોમાં સપ્તાહથી વરસાદી પાણીનો અડિંગો
- પાલિકાની આળસથી રોગચાળાને નોંતરું
- સવારે ફરી વરસાદ થતા પાણીમાં વધુ ભરાવો થયો છે
વિરમગામમાં ગત સપ્તાહે ત્રણ દિવસ ખાબકેલા ભારે વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવો થતાં પડી રહેલી હાલાકીઓ કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ઘણા વિસ્તારોમાં 7 દિવસ વિતવા છતાં પાણી ઓસર્યા નથી. એવામાં મંગળવારે રાત્રિના તેમજ સવારે ફરી વરસાદ થતા પાણીમાં વધુ ભરાવો થયો છે. એથી શહેરીજનોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે. તેમજ વરસાદી પાણી ભરાયેલા રહેતા કાદવ કીચડ, લીલ અન્ય ગંદકી કારણે રોગચાળો ફેલાવાની દેહશત સેવાઇ છે. પાણીમાં આવવા જવાથી ચામડીના રોગોનો લોકો શિકાર બની રહ્યા છે. વિરમગામ શહેરના ફૂલવાડી મિલ ફટક, નિલ્કી ફટક બહારના, આસપાસના વિસ્તાર, ગોળપીઠા, સુપર માર્કેટ, ખજુરી પીઠા, 14 ગલી, અલ્બદર સોસાયટી, અલીગઢ, પોલીસ લાઇન, ગાંધી હોસ્પિટલ વિસ્તાર, અક્ષરનગર, નીલકંઠ સોસાયટીથી મધુસુદન સોસાયટી,અંબિકાનગર સોસાયટી તેમજ ચિરાગ હાઉસિંગ સોસાયટી, ઠક્કર બાપા છાત્રાલય, કુંવરબા પાર્ક સોસાયટી, આઇટીઆઇ વિસ્તાર વધુ પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં ઘણાના ઘરો, દુકાનોમાં પાણીના ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માલ સામાન પલળતા નુકશાની પડી છે. ત્યારે એક સપ્તાહ વિતવા તેમજ મંગળવારે વરસાદ થતા ફરી પાણીનો વધુ ભરાવો થયો છે. ત્યારે શહેરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ચૂંટીને મોકલેલા નગરસેવકો કે પાલિકા દ્વારા નક્કર પગલાં નહીં ભરાતા શહેરીજનોમાં આક્રોશની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત વિરમગામમાં ગાંધી હોસ્પિટલ બહાર તેમજ પાલિકા કચેરીની સામેજ મુખ્ય માર્ગ પર એક વીસેક ફૂટ પહોળાઈ ધરાવતી વરસાદી પાણીની કાચી વર્ષો જુની કેનાલ પસાર થાય છે. આ માર્ગ પર ઢીંચણ સમા પાણી ભારે વરસાદના કારણે ભરાતા હોવાનુ તંત્ર જાણતું હોવા છતાં આ વરસાદી કેનાલની સફઈ કરવાની જગ્યાએ તંત્રએ ચોમાસા પહેલા પોતાના કોઈ ગર્ભિત મનસુબા તળે રાતો રાત દસ ફુટ જેટલી પોહળાઈમાં માટી કચરો ઠાલવીને બુરાણ કરી દેતા પંચકર્મ સર્કલથી ટેકનિકલ હાઇસ્કૂલ માર્ગ પર ઢીંચણ સમા પાણીનો ભરાવો થવા છતાં અહીંયા કરાયેલું બુરાણ દુર કરવા કે કેનાલની સફઈ માટે તંત્ર કાળા ચશ્મા પહેરીને બેસતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
Source link